ટ્રેન્ડિંગમનોરંજનવર્લ્ડ

કેનેડાના પૂર્વ PM ટ્રુડો અને કેટી પેરીના સંબંધો પર લાગી મહોર! પૉપ સ્ટારે જાપાન ટ્રિપના તસવીર કરી શેર

Justin Trudeau Relationship: પોપ સ્ટાર કેટી પેરી (Katy Perry) અને કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શનિવારે (6 ડિસેમ્બર 2025) તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે. કેટી પેરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની જાપાન યાત્રાના અનેક ફોટા અને વીડિયો શેર કર્યા, જેમાં બંને પહેલીવાર સોશિયલ મીડિયા પર એકસાથે જોવા મળ્યા.

જાપાન પ્રવાસમાં જોવા મળી નિકટતા

કેટી પેરીએ તેમના ચાલુ ‘લાઇફટાઇમ્સ ટૂર’ના ભાગ રૂપે આ યાત્રાની તસવીરો શેર કરી. એક ફોટોમાં 40 વર્ષીય કેટી પેરી અને 53 વર્ષીય ટ્રુડો એકસાથે સેલ્ફી લેતા દેખાયા, જ્યારે એક વીડિયોમાં બંને ભોજન લેતા અને આર્ટ એક્ઝિબિટમાં સમય વિતાવતા જોઇ શકાય છે.પેરીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “ટૉક્યો ટાઇમ્સ ઓન ટૂર એન્ડ મોર”.

પૂર્વ જાપાની PM કિશિદા સાથે મુલાકાત

ટૉક્યોમાં, કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોએ બુધવારે (3 ડિસેમ્બર) જાપાનના પૂર્વ વડાપ્રધાન ફુમિયો કિશિદા અને તેમના પત્ની યુકો સાથે મુલાકાત કરી હતી. કિશિદાએ X પર ક્રિસમસ ટ્રી પાસે લેવામાં આવેલો ફોટો શેર કર્યો અને પેરીને ટ્રુડોના ‘પાર્ટનર’ તરીકે સંબોધિત કર્યા. તેમણે જાપાની ભાષામાં લખ્યું કે, “પૂર્વ કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમના પાર્ટનર સાથે જાપાન આવ્યા અને મારા પત્ની અને મને લંચ માટે મળ્યા.”

વૈશ્વિક સંબંધોની વાત

કિશિદાએ ટ્રુડો સાથેની પોતાની જૂની ભાગીદારીને યાદ કરી અને આંતરરાષ્ટ્રીય નિયમ-આધારિત વ્યવસ્થા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા માટે આભાર વ્યક્ત કર્યો. ટ્રુડોએ પણ સોશિયલ મીડિયા પર કિશિદાનો આભાર માન્યો હતો.

મોન્ટ્રીયલમાં શરૂઆત અને અગાઉના સંબંધો

અહેવાલો અનુસાર, પેરી અને ટ્રુડોની ડેટિંગ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં મોન્ટ્રીયલમાં મળ્યા બાદ શરૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે બંને તાજેતરમાં જ તેમના લાંબા સમયના સંબંધોમાંથી અલગ થયા હતા. કેટી પેરી જૂનમાં ઓર્લાન્ડો બ્લૂમથી અલગ થયા હતા અને જસ્ટિન ટ્રુડો 2023 માં 18 વર્ષના લગ્નજીવન બાદ પત્ની સોફી ગ્રેગોઇરથી અલગ થવાની જાહેરાત કરી હતી.

બંનેને જાણતા એક સૂત્રએ જણાવ્યું કે, ટ્રુડો તેમની ડેટ્સ બાદથી જ પેરીને ફોલો કરી રહ્યા હતા અને તેઓ કેલિફોર્નિયામાં પણ તેમને મળવા ગયા હતા. આ કપલને પહેલીવાર 25 ઓક્ટોબરે પેરિસમાં એક કેબરે શોમાં જાહેરમાં સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેઓ હાથ પકડીને સ્મિત સાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા.

Back to top button