ટ્રેન્ડિંગનેશનલ

ઑફિસમાં ફાટેલી જીન્સ-સ્લીવલેસ પર પ્રતિબંધ, કર્મચારીઓને ‘સભ્ય’ બનાવવાનો સરકારનો નિર્ણય

કર્ણાટકઃ 20 ડિસેમ્બર, 2025: Karnataka News: કર્ણાટકની કોંગ્રેસ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સર્ક્યુલર જાહેર કર્યું છે. આ આદેશમાં કર્મચારીઓને ઓફિસમાં સભ્ય કપડાં પહેરવા અને શિસ્ત જાળવવા સૂચના આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે, કર્મચારીઓના અયોગ્ય પહેરવેશથી સરકારની છબી ખરડાય છે.

શું પહેરવું અને શું નહીં?

કાર્મિક અને વહીવટી સુધારણા વિભાગ (DPAR) દ્વારા જાહેર કરાયેલા આ સર્ક્યુલરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જનતા અને વિવિધ સંગઠનો તરફથી ફરિયાદો મળી હતી કે ઘણા કર્મચારીઓ ઓફિસમાં મર્યાદા વગરના કપડાં પહેરીને આવે છે.

યુવા કર્મચારીઓ ઘણીવાર કોલેજના વિદ્યાર્થીઓ હોય તેમ ફાટેલી જીન્સ, સ્લીવલેસ કપડાં અને અત્યંત ટાઇટ કપડાં પહેરીને આવે છે, જેના પર હવે રોક લગાડવામાં આવી છે. સરકારી ઓફિસોમાં એક ગરિમા અને મર્યાદા જળવાઈ રહે તે માટે આ પગલું લેવાયું છે. કર્ણાટક રાજ્ય સરકારી કર્મચારી સંઘના પ્રમુખ સી.એસ. ષડક્ષરીએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

રોકડ અને હાજરી અંગેના કડક નિયમો

માત્ર કપડાં જ નહીં, પરંતુ કર્મચારીઓની શિસ્ત અને ભ્રષ્ટાચાર રોકવા માટે અન્ય નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. હવે દરેક કર્મચારીએ ઓફિસમાં આવતી વખતે અને જતી વખતે તેમના ખિસ્સા કે પર્સમાં કેટલી રોકડ છે તેની નોંધ ‘કેશ રજિસ્ટર’ માં કરવી પડશે.

જો કોઈ કર્મચારી સરકારી કામ માટે ઓફિસની બહાર જાય છે, તો તેણે ‘મૂવમેન્ટ રજિસ્ટર’ માં તેની એન્ટ્રી કરવી ફરજિયાત રહેશે. કર્મચારીઓએ સવારે 10:10 વાગ્યા સુધીમાં ફરજિયાત ઓફિસ પહોંચી જવું પડશે અને કામ પૂરું ન થાય ત્યાં સુધી પોતાની સીટ પર હાજર રહેવું પડશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

DPARના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આવા નિર્દેશો આપવામાં આવ્યા હતા, પરંતુ તેનું યોગ્ય પાલન થતું નહોતું. ઓફિસના વાતાવરણને પ્રોફેશનલ બનાવવા અને પારદર્શિતા લાવવા માટે આ વખતે તમામ વિભાગીય વડાઓ, ડેપ્યુટી કમિશનરો અને સચિવોને આ નિયમોનું કડક પાલન કરાવવા આદેશ અપાયો છે.

આ પણ વાંચોઃ પત્નીને જેલમાં ખેંચી લઈ જવામાં આવી, ઈમરાન ખાને જેલમાંથી ચીસો પાડીને શાહિદ આફ્રિદીને મોકલ્યો ગુપ્ત સંદેશ?

આ પણ વાંચોઃ ‘બહુ ખરાબ રીતે માર માર્યો, કેરોસીન છાંટીને આગ લગાવી…’ બાંગ્લાદેશમાં બર્બરતાનો ભોગ બનેલા દીપુની આપવીતી

Back to top button