કાનપુરમાં લવ મેરેજના 4 મહિનામાં જ કરુણ અંત: પત્નીને પ્રેમી સાથે જોઈ પતિએ ગળું દબાવી કરી હત્યા

નવી દિલ્હીઃ 17 જાન્યુઆરી, 2026: કાનપુરના મહારાજપુર વિસ્તારમાં વિશ્વાસ અને શંકાના કરુણ અંજામની એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પ્રેમ લગ્નના માત્ર ચાર મહિના બાદ જ પતિએ આવેશમાં આવીને પોતાની પત્નીની હત્યા કરી નાખી. ચોંકાવનારી વાત એ છે કે હત્યા કર્યા બાદ આરોપી પતિ પોતે જ રડતો રડતો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલ્યો.
ભાડાના મકાનમાં મળી લાશ
આ ઘટના રૂમા વિસ્તારની હાઈટેક સિટીમાં બની છે. અહીં એક હોસ્પિટલની ઉપર આવેલા ભાડાના રૂમમાં 25 વર્ષીય શ્વેતા સિંહની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે શ્વેતાનો મૃતદેહ ખાટલા પર ધાબળામાં લપેટાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
લવ મેરેજ બાદ સુરતથી કાનપુર આવ્યા હતા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી સચિન સિંહ અને શ્વેતાએ ચાર મહિના પહેલા પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તેઓ થોડો સમય સુરત રહ્યા હતા, જ્યાં સચિન ફેક્ટરીમાં કામ કરતો હતો. થોડા સમય પહેલા જ તેઓ કાનપુર આવ્યા હતા અને સચિન અહીં રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો.
આરોપી સચિનના જણાવ્યા મુજબ, 17 જાન્યુઆરીની રાત્રે જ્યારે તે અચાનક ઘરે પહોંચ્યો ત્યારે તેણે શ્વેતાને બે યુવકો સાથે વાંધાજનક હાલતમાં જોઈ હતી. આ યુવકો નજીકની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. સચિને જ્યારે વીડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેની સાથે મારામારી પણ કરવામાં આવી હતી.
પોલીસે સમજાવ્યા પણ આવેશમાં થઈ હત્યા
ઘટના સમયે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસ તમામને ચોકીએ લઈ ગઈ હતી. પોલીસે સચિન અને શ્વેતાને ચેતવણી આપીને ઘરે મોકલી દીધા હતા. જોકે, ઘરે પહોંચ્યા બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સચિનનો આરોપ છે કે શ્વેતાએ તેની સાથે રહેવાની ના પાડી દીધી હતી, જેનાથી ગુસ્સે ભરાઈને સવારે 3 વાગ્યે તેણે શ્વેતાનું ગળું દબાવી દીધું હતું.
નાણાકીય લેવડદેવડના પુરાવા
ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા યુવકોના મોબાઈલમાંથી શ્વેતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે સચિનની ધરપકડ કરી છે અને પેલા યુવકોની પણ પૂછપરછ હાથ ધરી છે.












