જસ્ટિસ યશવંત વર્મા કેસ: લોકસભા સ્પીકરે તપાસ સમિતિનું પુનર્ગઠન કર્યું, જાણો ટીમ કેમ બદલવામાં આવી?

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: જસ્ટિસ યશવંત વર્મા સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે રચાયેલી સમિતિનું લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પુનર્ગઠન કર્યું છે. 25 ફેબ્રુઆરીએ લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, સમિતિના ત્રણ સભ્યોમાંથી એક મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ મણિન્દ્ર મોહન શ્રીવાસ્તવ 6 માર્ચે નિવૃત્ત થવાના હોવાથી તેમની જગ્યાએ બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખરને સામેલ કરવામાં આવ્યા છે.
આ તપાસ સમિતિ ગયા વર્ષે ઑગસ્ટમાં રચાઈ હતી, જ્યારે સત્તાપક્ષ અને વિરોધ પક્ષના કુલ 152 સાંસદોએ તે સમયે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ રહેલા જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
વિવાદ 14 માર્ચે સામે આવ્યો હતો, જ્યારે દિલ્હીમાં સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગવાની ઘટનામાં ઇમરજન્સી સેવાઓને કથિત રીતે ભારે માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. જસ્ટિસ વર્માએ આ આરોપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે તે સમયે તેઓ ભોપાલમાં હતા અને મળેલી રકમ તેમની કે તેમના પરિવારની નથી. મામલો ઉગ્ર બનતાં તેમનો બદલી દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં કરવામાં આવ્યો હતો.
ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને સત્તાપક્ષ અને વિરોધ પક્ષના 152 સાંસદોએ એકસાથે મળી તેમના વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સ્પીકર ઓમ બિર્લાએ પ્રસ્તાવ સ્વીકારતાં જણાવ્યું હતું કે સમિતિ વહેલી તકે પોતાની રિપોર્ટ રજૂ કરશે.
જોકે, તપાસ પ્રક્રિયામાં વિલંબ થયો હતો કારણ કે જસ્ટિસ વર્માએ સમિતિની વૈધતા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 16 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તેમની અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ જસ્ટિસ વર્મા સમિતિ સમક્ષ હાજર રહી પોતાનું પક્ષ રજૂ કર્યું હતું અને સમિતિએ અન્ય સાક્ષીઓની પણ પૂછપરછ કરી હતી.
હવે જસ્ટિસ શ્રીવાસ્તવની નિવૃત્તિના કારણે સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે, જેથી તપાસ પ્રક્રિયા સતત અને નિયમિત રીતે આગળ વધારી શકાય.
આ પણ વાંચો : પીએમ મોદીએ ઇતિહાસ રચ્યો, ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ ધરાવતા પહેલા વિશ્વ નેતા બન્યા












