વેસ્ટ બેંકમાં મોટા લશ્કરી ઓપરેશન માટે ઇઝરાયેલ તૈયાર, નેતન્યાહૂનું આક્રમક નિવેદન

Israel-Palestine Tensions: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કબજા હેઠળના પશ્ચિમ કાંઠામાં મોટા લશ્કરી ઓપરેશન માટે તૈયાર હોવાની જાહેરાત કરી છે. તેમના આ નિવેદનને આ ક્ષેત્રમાં સૈન્ય કાર્યવાહી વધુ તેજ કરવાનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે. સુરક્ષા દળોને આતંકવાદી ઠેકાણાઓ સામે વ્યાપક ઝુંબેશ ચલાવવા, ગામડાઓમાં દરોડા પાડવા અને શસ્ત્રો જપ્ત કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
‘આતંકવાદી ઠેકાણાઓ’ સામે વ્યાપક દરોડા અને કાર્યવાહી
નેતન્યાહૂએ પત્રકારોને જણાવ્યું હતું કે સુરક્ષા દળોને પશ્ચિમ કાંઠાના ગામડાઓમાં પ્રવેશવા, સઘન શોધખોળ કરવા, શસ્ત્રો જપ્ત કરવા તેમજ શંકાસ્પદોની ધરપકડ કરવાના આદેશ અપાયા છે. સેના હાલમાં સમગ્ર વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી લશ્કરી દરોડા અને વસાહતીઓ દ્વારા હિંસક એટેકની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પેલેસ્ટિનિયન સમુદાયોનું વિસ્થાપન અને વંશીય સફાઈનો આરોપ
સ્થાનિક પરિસ્થિતિ અંગે બોલતા ‘યુથ અગેઇન્સ્ટ સેટલમેન્ટ્સ’ ના સ્થાપક ઇસા આમ્રોએ જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન નાગરિકો દરરોજ હિંસાનો સામનો કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તાજેતરના વર્ષોમાં સતત થતા હુમલાઓને કારણે 20 થી વધુ પેલેસ્ટિનિયન સમુદાયોને પોતાના ગામડાઓ છોડીને ભાગી જવાની ફરજ પડી છે. સેંકડો પરિવારોએ પોતાના ઘર અને જમીન ગુમાવ્યા છે, જેને તેમણે “વંશીય સફાઇ” ગણાવી હતી.
પશ્ચિમ કાંઠામાં ગંભીર બનતી પરિસ્થિતિ
હાલમાં પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ઉત્તેજનાપૂર્ણ બની ગઈ છે. ઇઝરાયેલી સૈન્યનું આક્રમણ ચાલુ છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ કાર્યવાહી સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં મોટો વધારો કરી રહી છે. નેતન્યાહૂના આ કડક વલણ બાદ આગામી દિવસોમાં આ વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી વધુ ભીષણ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન-નેપાલે ભારતના Gen Zના કર્યા વખાણ, કહ્યું-અહીં લોકો બિરયાનીની પ્લેટ માટે વેચાય જાય છે












