IPLસ્પોર્ટ્સ

IPL 2026: પંજાબ કિંગ્સ સામે લખનઉનો પરાજય, કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર સદી સાથે પંજાબ પ્લેઓફની રેસમાં યથાવત

IPL 2026 LSG vs PBKS: IPL 2026ની 68મી મેચમાં પંજાબ કિંગ્સે (PBKS) દબાણની સ્થિતિમાં અસાધારણ પ્રદર્શન કરીને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ને એકતરફી મુકાબલામાં હરાવ્યું છે. આ રોમાંચક જીત સાથે પંજાબ કિંગ્સે પ્લેઓફની દોડમાં પોતાની આશા જીવંત રાખી છે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સ લીગ સ્ટેજની પોતાની છેલ્લી મેચ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. પંજાબની આ જીતનો અસલી હીરો કેપ્ટન શ્રેયસ અય્યર રહ્યો હતો, જેણે આઈપીએલ કરિયરની યાદગાર પ્રથમ સદી ફટકારીને 197 રનનો મોટો ટાર્ગેટ માત્ર 3 વિકેટ ગુમાવીને પાર પાડી લીધો હતો.

ઇંગ્લિસ અને બદોનીની તોફાની બેટિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત મજબૂત રહી હતી. ઓપનર જોશ ઇંગ્લિસે પંજાબના બોલરો પર પ્રહાર કરતા 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેની સાથે યુવા બેટ્સમેન આયુષ બદોનીએ 238.88 ના સ્ટ્રાઇક રેટથી માત્ર 18 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 43 રન ઝૂડી કાઢ્યા હતા. અંતિમ ઓવરોમાં અબ્દુલ સમદે અણનમ 37 અને ઋષભ પંતે 26 રનનું યોગદાન આપતાં લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટે 196 રનનો વિશાળ સ્કોર બોર્ડ પર મૂક્યો હતો. પંજાબ તરફથી માર્કો જાનસેન અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શ્રેયસ અય્યરની ઐતિહાસિક સદી અને પ્રભસિમરનની ફિફ્ટી

197 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે માત્ર 22 રનના સ્કોર પર 2 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. આ મુશ્કેલ સમયે કેપ્ટન શ્રેયસ અય્યરે મોરચો સંભાળ્યો હતો. અય્યરે ઓપનર પ્રભસિમરન સિંહ સાથે મળીને લખનઉના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. પ્રભસિમરને 39 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી પાયો મજબૂત કર્યો હતો. બીજી તરફ, શ્રેયસ અય્યરે કપ્તાની ઇનિંગ રમતા માત્ર 51 બોલમાં 101 રન ફટકારીને અણનમ રહ્યો હતો. આ વિસ્ફોટક ઇનિંગના દમ પર પંજાબ કિંગ્સે માત્ર 18 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરીને મેચ 3 વિકેટે જીતી લીધી હતી. અય્યરની આઈપીએલ કરિયરની આ પ્રથમ સદી પંજાબ માટે પ્લેઓફના દરવાજા ખુલ્લા રાખવામાં સંજીવની સમાન સાબિત થઈ છે.

આ પણ વાંચો: IPL 2026: ચાર વખત પ્લેઓફમાં પહોંચી ગુજરાત ટાઇટન્સ, બીજા ટાઇટલ પર છે નજર, શું છે સફળતાનું રહસ્ય?

Back to top button