ટ્રેન્ડિંગનેશનલ

Indore: દૂષિત પાણીના પીડિતોને મળ્યા રાહુલ ગાંધી, સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું?

ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુનો મુદ્દો જોર પકડી રહ્યો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી અને તેમનુ દર્દ સાંભળ્યું. આ દરમિયાન ઘણા પીડિત પરિવારો હાજર રહ્યા હતા, જેમણે ખુલ્લેઆમ પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ અને સ્વચ્છ પાણીની માંગ કરી.

પીડિત પરિવારોનું દર્દ

ભગીરથપુરાના રહેવાસી મનીષ પવારે જણાવ્યું કે દૂષિત પાણીને કારણે તેમણે પોતાની માતા ગુમાવી. રાહુલ ગાંધીને મળ્યા બાદ તેમણે કહ્યું કે તેઓ પીડિતોને મદદ કરવા અને સાંત્વના આપવા આવ્યા છે. તેમણે આર્થિક સહાય તરીકે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો અને તેમને સ્વચ્છ પાણી અને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા માટે તેમના પ્રયાસોની ખાતરી આપી. મનીષના જણાવ્યા મુજબ, તે સમયે લગભગ 20 પીડિત પરિવારો હાજર હતા.

તેવી જ રીતે, પીડિત શાનુ પ્રજાપતે કહ્યું કે તેની સાસુનું દૂષિત પાણી પીવાથી અચાનક મૃત્યુ થયું. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે તેઓ હોસ્પિટલ પણ પહોંચી શક્યા નહીં. શાનુએ કહ્યું કે રાહુલ ગાંધીએ ટેકો આપવાની વાત કરી હતી અને 1 લાખ રૂપિયાની આર્થિક મદદ પણ આપી હતી, પરંતુ પ્રશ્ન ફક્ત પૈસાનો નથી. તેમણે કહ્યું કે માનવ જીવનની કોઈ કિંમત નથી હોતી. તેમને સરકાર તરફથી બે લાખ રૂપિયાનો ચેક મળ્યો, પરંતુ વાસ્તવિક જરૂરિયાત સ્વચ્છ પાણીની છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે લોકો ક્યાં સુધી પીવાનું પાણી ખરીદીને પીતા રહેશે.

રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો

પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ, રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે જ્યારે દેશને સ્માર્ટ સિટી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ સ્માર્ટ સિટીનું એક મોડેલ છે જ્યાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી.

તેમણે આરોપ લગાવ્યો કે ઇન્દોરમાં લોકો દૂષિત પાણી પીવાથી મરી રહ્યા છે અને લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સ્વચ્છ પાણી પૂરું પાડવું અને પ્રદૂષણને નિયંત્રિત કરવું એ સરકારની જવાબદારી છે, પરંતુ સરકાર આ જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ પરિસ્થિતિ ફક્ત ઇન્દોરમાં જ નહીં, પરંતુ દેશના ઘણા શહેરોમાં છે.

મોહન યાદવનો વળતો પ્રહાર

ભોપાલમાં આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મધ્યપ્રદેશ આવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બારૈયા પોતાના વિભાજનકારી નિવેદનોથી સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે રાહુલ ગાંધી તેમના ધારાસભ્ય સામે કાર્યવાહી કરશે અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢશે. તેમણે કહ્યું કે આનાથી એક સંદેશ જશે કે કોંગ્રેસ પાર્ટી સમાજના તમામ વર્ગોનું સન્માન કરે છે. મુખ્યમંત્રીએ બારૈયાના નિવેદનની પણ કડક નિંદા કરી.

ભગીરથપુરાનો આ મુદ્દો હવે ફક્ત સ્થાનિક સમસ્યા નથી રહ્યો, પરંતુ રાજકીય ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે, જ્યાં એક તરફ અસરગ્રસ્ત પરિવારો સ્વચ્છ પાણીની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકારણ પણ તેજ બન્યું છે.

આ પણ વાંચો: કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે, સ્વયંસેવકોને લેવડાવશે શપથ

Back to top button