હવામાં ક્રૂ મેમ્બરની તબિયત બગડી, દોહા-બેંગલુરૂ ઈન્ડિગો ફ્લાઈટ મસ્કત ડાયવર્ટ

IndiGo Flight Diverted: દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026ના રોજ મેડિકલ ઈમરજન્સી સર્જાતા વિમાનને ઓમાનના મસ્કત તરફ ડાયવર્ટ કરવું પડ્યું. ફ્લાઇટ 6E 1302માં મુસાફરી દરમિયાન એક ઓપરેટિંગ ક્રૂ મેમ્બરની તબિયત અચાનક બગડી હતી અને તેને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર પડી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્રૂએ મુસાફરો અને ફ્લાઇટમાં રહેલા કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિમાનને મસ્કટ એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય લીધો.
મસ્કતમાં સુરક્ષિત લેન્ડિંગ
ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ મસ્કટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. ત્યારબાદ મેડિકલ ટીમે સંબંધિત ક્રૂ મેમ્બરને સારવાર આપી હતી. એરલાઇને જણાવ્યું કે સારવાર બાદ ક્રૂ મેમ્બરની તબિયતમાં સુધારો થયો છે. જોકે તેને કઈ પ્રકારની તકલીફ થઈ હતી તેની વિગત જાહેર કરવામાં આવી નથી.
મુસાફરોને મસ્કટમાં રોકાવું પડ્યું
મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઇટ ડાયવર્ટ થતાં મુસાફરોને મસ્કત એરપોર્ટ પર થોડો સમય રોકાવું પડ્યું હતું. ઈન્ડિગો તરફથી મુસાફરો માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આગળની મુસાફરી અંગે સમયાંતરે માહિતી આપવામાં આવી રહી હતી.
વૈકલ્પિક વિમાન અને નવો ક્રૂ તૈયાર
IndiGoએ દોહાથી બેંગલુરુ જઈ રહેલા મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વિમાન અને નવો ક્રૂ ગોઠવ્યો છે. એરલાઇન અનુસાર મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે બેંગલુરુ પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે ફ્લાઇટ બેંગલુરુ ક્યારે પહોંચશે તેનો નવો અંદાજિત સમય તાત્કાલિક જાહેર કરવામાં આવ્યો નહોતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
IndiGoએ મુસાફરોની માફી માગી
ફ્લાઇટ ડાયવર્ટ થવાથી મુસાફરોને થયેલી અસુવિધા બદલ IndiGoએ ખેદ વ્યક્ત કર્યો છે. એરલાઇને સ્પષ્ટ કર્યું કે મેડિકલ ઈમરજન્સીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને મુસાફરો, ક્રૂ તથા વિમાનની સુરક્ષા તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.












