મિડલ ઈસ્ટ યુદ્ધમાં અત્યાર સુધીમાં 8 ભારતીયોના મોત, એક કરોડ ભારતીયો પર સંકટ

Middle East: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે બીજા મહિનામાં પહોંચ્યું છે. આ સમયગાળા દરમિયાન, યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધને કારણે 8 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આઠમાં ભારતીયનું મૃત્યુ રવિવારે કુવૈતમાં થયું.
કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોમવારે જાહેરાત કરી હતી કે કુવૈતમાં ડિસેલિનેશન પ્લાન્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય કામદારનું મોત થયું છે, પરંતુ મૃતક વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.
ભારતીય દૂતાવાસ કુવૈત સરકારના સંપર્કમાં
કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે, “કાલે કુવૈતમાં એક ડીસેલિનેશન ફેસિલિટી પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના દુઃખદ મૃત્યુ પર કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસ ઊંડો શોક વ્યક્ત કરે છે. દૂતાવાસ દરેક શક્ય મદદ માટે કુવૈતી અધિકારીઓ સાથે નજીકના સંકલનમાં છે.”
Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on a desalination facility in Kuwait yesterday. The Embassy is closely coordinating with the Kuwaiti authorities to render all possible support and assistance.
— India in Kuwait (@indembkwt) March 30, 2026
કુવૈતના વીજળી મંત્રાલયે આપી માહિતી
કુવૈતમાં એક ભારતીય સાથે થયેલી ઘટનાને લઈને કુવૈતના વીજળી મંત્રાલય તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવાયું છે કે, સ્ટેટ ઓફ કુવૈત વિરુદ્ધ થયેલા હુમલાના ભાગરૂપે ઈરાની હુમલામાં પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ ખાતેના સર્વિસ બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં એક ભારતીય કામદારનું મૃત્યુ થયું અને બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું.
ઈરાને આ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી
આ હુમલા અંગે ઈરાન તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે, સ્થાનિક મીડિયાએ કુવૈતી સરકારને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પ્લાન્ટને વ્યાપક નુકસાન થયું છે.
મિડલ ઈસ્ટમાં કયા-કયા સ્થળે ભારતીયોના મૃત્યુ થયા?
અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઇરાન પર હુમલો કર્યો. ત્યારથી અત્યાર સુધીમાં આઠ ભારતીયોના મોત થયા છે. ખાડી દેશોમાં માર્યા ગયેલા ભારતીયોની સંખ્યા આ પ્રમાણે છે:
- કુવૈત – 1
- સાઉદી અરેબિયા – 1
- સંયુક્ત આરબ અમીરાત – 1
- ઓમાન – 2
- શિપિંગ હુમલા – 3
પશ્ચિમ એશિયામાં રહે છે 10 કરોડ લોકો
- 24 માર્ચે, યુએઈમાં અબુ ધાબીના રસ્તાઓ પર ઇન્ટરસેપ્ટર મિસાઇલનો કાટમાળ પડતાં એક ભારતીય સહિત બે લોકોના મોત થયા હતા.
- 18 માર્ચે, સાઉદી અરેબિયાના રિયાધમાં મિસાઇલ હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું.
- 13 માર્ચે, ઓમાનના સોહર શહેર પર ડ્રોન હુમલામાં બે ભારતીયોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા.
- વેપારી જહાજો પર ઈરાની હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા.
- પશ્ચિમ એશિયામાં અંદાજે 1 કરોડ ભારતીયો રહે છે.
આ પણ વાંચો: Census 2026: તૈયારી રાખજો, વસતી ગણતરીમાં આ 33 સવાલો પૂછાશે












