ભારત અમેરિકાનો વેપાર સોદો પાટા પર, ટૂંક સમયમાં પિયુષ ગોયલ જશે અમેરિકા

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર, 2025: કેન્દ્રિય વેપાર અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ટૂક સમયમાં અમેરિકાની મુલાકાતે લઇ જઇ શકે છે. ભારત-અમેરિકા વેપાર વાતચીત યોગ્ય દિશામા આગળ વધવાની વચ્ચે તેમની આ યાત્રા થવાની આશા છે. હાલમાં જ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર સમજૂતિ પર અમેરિકાના મુખ્ય નેગોશિયેટર બ્રેન્ડન લિંચ અને વેપાર મંત્રાલયમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ વચ્ચે દિવસભરની વાતચીત બાદ આ યાત્રા થવા જઇ રહી છે.
આગામી થોડા દિવસોમાં પીયૂષ ગોયલ અમેરિકાની મુલાકાત લેશે
સૂત્રોએ જણાવ્યું હતું કે, “વાણિજ્ય મંત્રી આગામી થોડા દિવસોમાં વેપાર વાટાઘાટો માટે અમેરિકાની મુલાકાત લે તેવી શક્યતા છે.” વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે 16 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની મુલાકાતે આવેલી યુએસ ટીમ સાથે દિવસભરની ચર્ચા સકારાત્મક રહી હતી, અને બંને પક્ષો કરારના વહેલા અને પરસ્પર ફાયદાકારક નિષ્કર્ષ માટે પ્રયાસ કરવા સંમત થયા હતા.
યુએસ અધિકારીઓ સાથે સાત કલાકની બેઠક બાદ, મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પરસ્પર ફાયદાકારક વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
ટ્રમ્પ વહીવટીતંત્રે ઓગસ્ટમાં ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ વેપાર કરાર પર વાટાઘાટો અટકી ગઈ હતી. બંને પક્ષો વચ્ચે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત થઈ છે.
આ સોદાને નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે
અગાઉ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 11 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત-અમેરિકા વેપાર કરારનો પ્રથમ તબક્કો નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ચર્ચાઓ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે, અને બંને પક્ષો અત્યાર સુધીની પ્રગતિથી સંતુષ્ટ છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, “ફેબ્રુઆરીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના મંત્રીઓને આ કરાર પર કામ કરવા અને આ વર્ષે નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા નિર્દેશ આપ્યો હતો. આ વેપાર કરારનો પ્રથમ તબક્કો નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવો જોઈએ, અને માર્ચથી, આ મુદ્દા પર ચર્ચાઓ ખૂબ જ ગંભીરતાથી ખૂબ જ સારા વાતાવરણમાં ચાલી રહી છે, અને પ્રગતિ થઈ રહી છે.”
આ પણ વાંચોઃ UIDAIનું નવું માળખું લાગુ, હવે કોઓપરેટિવ બેન્કો પણ આપી શકશે આધાર સાથે સંકળાયેલી સેવાઓ












