ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલ

સોનાના ભાવે બનાવ્યો નવો ટ્રેન્ડ! દેશમાં 6 મહિનામાં રૂ. 76 હજાર કરોડથી વધુનું જૂનું સોનું વેચાયું

National News: વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં સોનાના ભાવમાં આવેલો ઐતિહાસિક ઉછાળો દેશભરના ગોલ્ડ માર્કેટમાં મોટો ફેરફાર લાવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના તાજેતરના અહેવાલ મુજબ જાન્યુઆરીથી જૂન દરમિયાન ભારતમાં 50.4 મેટ્રિક ટન સ્ક્રેપ ગોલ્ડનું વેચાણ થયું, જેની કિંમત સરેરાશ MCX ભાવના આધારે અંદાજે રૂ. 76,088 કરોડ થાય છે.

જોકે અહેવાલમાં એ પણ સામે આવ્યું છે કે સોનાના ઊંચા ભાવ છતાં મોટાભાગના લોકોએ પોતાનું સોનું સીધું વેચવાના બદલે નવા દાગીનામાં એક્સચેન્જ કરાવવાનું અથવા ગોલ્ડ લોન માટે ગીરવે મૂકવાનું વધુ પસંદ કર્યું છે. ઘણા રોકાણકારોએ ભાવ હજુ વધુ વધશે તેવી આશાએ સોનું વેચવાનું પણ ટાળ્યું હતું.

ભાવ વધ્યા, પરંતુ વેચાણનું વોલ્યુમ ઘટ્યું

WGCના જણાવ્યા મુજબ સોનાના ભાવમાં જંગી વધારો થતાં સ્ક્રેપ ગોલ્ડનું કુલ મૂલ્ય નોંધપાત્ર રીતે વધ્યું છે, પરંતુ વેચાયેલા સોનાના જથ્થામાં ઘટાડો નોંધાયો છે. તેનો અર્થ એ થયો કે ઊંચા ભાવ હોવા છતાં દરેક ગ્રાહકે સોનું વેચવાનો નિર્ણય લીધો નથી.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય પરિવારો સોનાને માત્ર આભૂષણ નહીં પરંતુ લાંબા ગાળાના સુરક્ષિત રોકાણ તરીકે જુએ છે. તેથી નાણાકીય જરૂરિયાત ન હોય ત્યાં સુધી સોનું વેચવાને બદલે તેને જાળવી રાખવાની માનસિકતા વધુ જોવા મળે છે.

અનેક રાજ્યમાં રોકડ માટે વેચાણ વધુ

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના જણાવ્યા મુજબ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને પંજાબ જેવા રાજ્યોમાં રોકડ મેળવવા માટે જૂનું સોનું વેચવાનું પ્રમાણ વધુ નોંધાયું છે. જ્યારે પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં લોકો સોનાનું રોકાણ જાળવી રાખવા તરફ વધુ ઝુકાવ ધરાવે છે.

એક્સચેન્જ અને ગોલ્ડ લોનનો ટ્રેન્ડ મજબૂત

જ્વેલર્સના જણાવ્યા મુજબ આ વર્ષે મોટી સંખ્યામાં ગ્રાહકોએ જૂના દાગીનાના બદલામાં નવા દાગીના ખરીદવાનું પસંદ કર્યું છે. બીજી તરફ તાત્કાલિક નાણાકીય જરૂરિયાત ધરાવતા લોકોએ ગોલ્ડ લોનનો વિકલ્પ અપનાવ્યો છે. તેના કારણે સીધા સ્ક્રેપ ગોલ્ડના વેચાણમાં અપેક્ષા કરતાં ઓછો વધારો જોવા મળ્યો છે.

જ્વેલરીની માંગમાં 17 ટકાનો ઘટાડો

સોનાના સતત ઊંચા ભાવની અસર દાગીનાની ખરીદી પર પણ પડી છે. WGCના અહેવાલ મુજબ વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં દેશમાં જ્વેલરીની માંગ 17 ટકા ઘટીને 141.2 મેટ્રિક ટન રહી હતી, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 170.4 મેટ્રિક ટન હતી.

વેપારીઓનું માનવું છે કે આગામી તહેવારોની સિઝનમાં જો સોનાના ભાવ સ્થિર રહેશે તો જ્વેલરીની માંગમાં ફરી વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ PM મોદીએ ભોગપુરમમાં એરપોર્ટનું કર્યું ઉદ્ધાટન, કહ્યું- આ આંધ્રના યુવાઓના સારા ભવિષ્યનું લોન્ચ પૈડ
Back to top button