ભારતનું પહેલું પ્રાઇવેટ રોકેટ ‘વિક્રમ-I’ ઉડાન માટે તૈયાર, શ્રીહરિકોટાથી રચાશે નવો ઇતિહાસ

Science & Tech News: ભારત ખૂબ જ ટૂંક સમયમાં અંતરિક્ષ ક્ષેત્રે એક અદભૂત અને ઐતિહાસિક સિદ્ધિ મેળવવા જઈ રહ્યું છે. હૈદરાબાદ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ કંપની ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) દ્વારા તૈયાર કરાયેલું ભારતનું સર્વપ્રથમ પ્રાઇવેટ રોકેટ ‘વિક્રમ-I’ (Vikram-I) અંતરિક્ષમાં ઉડાન ભરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. કંપની દ્વારા આ રોકેટની સત્તાવાર આકર્ષક તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં વિક્રમ-૧ રોકેટના સ્ટેજ-૨ ઇન્ટિગ્રેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
ચાર તબક્કાનું રોકેટ: ‘કલામ-250’ સ્ટેજ પૂર્ણ
વિક્રમ-1 રોકેટ કુલ ચાર તબક્કા (Four-stage rocket) નું બનેલું છે. હાલમાં તેના બીજા તબક્કાનું મહત્વપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે, જેને દેશના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના સન્માનમાં ‘કલામ-250’ (Kalam-250) નામ આપવામાં આવ્યું છે. બાકીના બે તબક્કાનું કામ પૂર્ણ થતાં જ આ રોકેટને લોન્ચિંગ પ્રક્રિયા માટે આગળ વધારવામાં આવશે.
વિક્રમ-I રોકેટની અદભૂત ખાસિયતો
આ રોકેટ સંપૂર્ણપણે ભારતમાં જ સ્વદેશી ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
* સ્ટીલ કરતાં પણ મજબૂત: આ રોકેટ ખૂબ જ મજબૂત હોવાની સાથે વજનમાં અત્યંત હલકું છે. તેની બોડી સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત રાખવા માટે અદભૂત ‘કાર્બન કમ્પોઝિટ મટીરિયલ’ નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
* ખાસ રબરનું સુરક્ષા કવચ: રોકેટની અંદર જ્યારે ઘન બળતણ (Solid Fuel) સળગે છે ત્યારે અસાધારણ ગરમી ઉત્પન્ન થાય છે. આ પ્રચંડ ગરમીથી રોકેટના આંતરિક ભાગોને બચાવવા માટે તેમાં ખાસ પ્રકારનું રબર ઇન્સ્યુલેશન સુરક્ષા કવચ લગાવવામાં આવ્યું છે.
* રોબોટિક પાર્ટ્સ અને સચોટ દિશા: રોકેટ હવામાં સ્પીડ અને ગુરુત્વાકર્ષણ વચ્ચે પોતાનો રસ્તો ન ભટકે તે માટે તેમાં એડવાન્સ નેવિગેશન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ સિવાય કોમ્પ્યુટર સંચાલિત રોબોટિક પુર્જાઓ લગાવાયા છે, જે ઉડાન દરમિયાન તેના નોઝલને આપમેળે યોગ્ય દિશામાં ફેરવતા રહેશે.
* સ્વયંસંચાલિત કાટમાળ અલગ કરવાની ક્ષમતા: આ રોકેટની સૌથી મોટી ખાસિયત એ છે કે ઉડાન દરમિયાન જે ભાગનું બળતણ ખાલી થઈ જશે અથવા જે ભાગ નકામો બની જશે, તેને આ રોકેટ પલક ઝપકતાની સાથે જ પોતાના મુખ્ય ભાગથી અલગ કરી દેશે.
અંતરિક્ષ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનો દબદબો વધશે
વિક્રમ-1 રોકેટની ઊંચાઈ 24 મીટર છે. આ રોકેટ પોતાની સાથે અંદાજે 350 કિલોગ્રામ સુધીના નાના સેટેલાઇટ્સ (Small Satellites) ને પૃથ્વીની નીચલી કક્ષા એટલે કે લો અર્થ ઓર્બિટ (LEO) માં સફળતાપૂર્વક સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ રોકેટના સફળ લોન્ચિંગ સાથે જ ભારત દુનિયાના તેવા ગણતરીના દેશોની યાદીમાં સામેલ થઈ જશે જેમના દેશમાં ખાનગી કંપનીઓ પાસે પોતાના પ્રાઇવેટ રોકેટ લોન્ચ કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ સાવલીના ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીએ કર્યો આપઘાત, પરિવારે કર્યા એક મહિલા પર ગંભીર આક્ષેપ
આ પણ વાંચોઃ ભારતીય સેનાને મળ્યા નવા સુપ્રીમ કમાન્ડર, ધીરજ સેઠ બનશે આર્મી ચીફ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












