ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ
‘બેટમાં કંઇક ગડબડ…’ મોહમ્મદ સિરાજની બેટિંગથી શ્રીલંકાના હોશ ઉડ્યા, મેદાનની વચ્ચે ચેક કરાવ્યું બેટ!

Sports News: શ્રીલંકા પ્રવાસની શરૂઆત ભારતીય ટીમે ધમાકેદાર અંદાજમાં કરી છે. કોલંબોના નોનડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ (NCC) ગ્રાઉન્ડ ખાતે રમાયેલી 3-દિવસીય પ્રેક્ટિસ મેચના છેલ્લા દિવસે 207 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે રોમાંચક જીત હાંસલ કરી હતી.
શ્રીલંકા ઈલેવન સામેની આ વોર્મ-અપ મેચનો અંત કોઈ બોલિવૂડ થ્રિલરથી કમ નહોતો. ભારતને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. મોહમ્મદ સિરાજે શ્રીલંકન બોલર પર કોઈ દયા બતાવ્યા વગર સતત 3 સિક્સર ફટકારીને ટીમને જીતની સીમા પાર પહોંચાડી દીધી હતી. સિરાજે માત્ર 15 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ પ્રેક્ટિસ મેચ હોવાથી જીત પછી પણ છેલ્લી ઓવરના તમામ 6 બોલ ફેંકવામાં આવ્યા હતા. જોકે, ટીમ મેનેજમેન્ટ અને ફેન્સ માટે સૌથી રાહતના સમાચાર કપ્તાન શુભમન ગિલની મેદાન પર વાપસી રહ્યા હતા.
કપ્તાન શુભમન ગિલ સંપૂર્ણ ફિટ
આંગળીની ઈજાના કારણે શરૂઆતના બે દિવસ બહાર રહ્યા બાદ ગિલ બીજી ઈનિંગ્સમાં યશસ્વી જાયસ્વાલ સાથે ઓપનિંગ કરવા ઉતર્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 100 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. યશસ્વીએ 46 બોલમાં 61 રન બનાવ્યા હતા અને રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ગિલ અડધી સદી ચૂક્યો હતો અને 44 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તેની ફિટનેસને લઈને હવે તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ છે.
શ્રીલંકા ઈલેવનનો સારો દેખાવ
ભારતીય ટીમ માટે આ વોર્મ-અપ મેચ દરેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. શ્રીલંકા ઈલેવને પોતાની પ્રથમ ઈનિંગ્સ 363/8 ના વિશાળ સ્કોર પર ડિક્લેર કરી હતી, જેમાં નિસાન મદુશંકા (66), રવિન્દુ રસાંથા (71) અને સોનલ દિનુષા (52) એ અડધી સદી ફટકારી હતી.
દેવદત્ત પડિક્કલની સદી અને બોલરોનો પ્રદર્શન
તેના જવાબમાં ભારતે દેવદત્ત પડિક્કલના અણનમ 142 રનની શાનદાર સદી અને રવીન્દ્ર જાડેજાના મહત્વપૂર્ણ 63 રનની મદદથી પોતાની પ્રથમ ઈનિંગ્સ 357/6 પર ડિક્લેર કરી હતી. જેનાથી શ્રીલંકાને પ્રથમ ઈનિંગ્સના આધારે 6 રનની મામૂલી સરસાઈ મળી હતી. બોલિંગમાં ભારત તરફથી રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથારે 2-2 વિકેટ ઝડપી હતી.
બીજી ઈનિંગ્સમાં શ્રીલંકા ઈલેવને 200/6 નો સ્કોર બનાવી ઈનિંગ્સ ડિક્લેર કરી હતી, જેમાં ભારત તરફથી ગુરનૂર બ્રાર અને રવીન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. ત્યારબાદ 45 ઓવરના વિશેષ નિયમ હેઠળ ભારતને 207 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ટીમે માત્ર 4 વિકેટ ગુમાવીને અંતિમ ઓવરમાં સિરાજના ગગનચુંબી છગ્ગાના દમ પર આસાન જીત નોંધાવી હતી.
આ પણ વાંચોઃકોમનવેલ્થ મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
આ પણ વાંચોઃન ચોંટશે, ન બળશે, શ્રાવણના ઉપવાસમાં બનાવો કુટ્ટૂનો ટેસ્ટી ઢોસા, વારંવાર નહીં લાગે ભૂખ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












