લાઈફસ્ટાઈલ

ભારતમાં 87% પુખ્ત વયના લોકો અસામાન્ય કોલેસ્ટ્રોલનો શિકાર, ICMR ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ICMR High Cholesterol Report: જો તમે એવું માનતા હોવ કે હાઈ કોલેસ્ટ્રોલ માત્ર મોટી ઉંમરના અથવા સ્થૂળતા ધરાવતા લોકોને જ અસર કરે છે, તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) નો આ નવો રિપોર્ટ તમારી આંખો ખોલી શકે છે. ICMR ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં અંદાજે 87% પુખ્ત વયના લોકો કોઈને કોઈ પ્રકારના અસામાન્ય કોલેસ્ટ્રોલ એટલે કે ‘ડિસ્લિપિડેમિયા’ થી પીડાઈ રહ્યા છે. આનો અર્થ એ થયો કે દેશના દર 10 માંથી 9 લોકોના શરીરમાં સારા અને ખરાબ કોલેસ્ટ્રોલનું સંતુલન બગડેલું છે. આ સ્થિતિ શરૂઆતમાં કોઈ પણ લક્ષણો દર્શાવતી ન હોવાથી મોટાભાગના લોકો આ ગંભીર જોખમથી સંપૂર્ણપણે અજાણ હોય છે.

શહેરી મહિલાઓ અને મધ્ય ભારતમાં વધુ વ્યાપ

ICMR-INDIAB ના આ વ્યાપક અભ્યાસમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 23,665 લોકોના લિપિડ પ્રોફાઇલનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, આ સમસ્યા ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી રહેવાસીઓ, મહિલાઓ અને ખાસ કરીને મધ્ય ભારતના લોકોમાં વધુ જોવા મળી છે. તબીબોના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી હાઈ કોલેસ્ટ્રોલ રહેવાથી હૃદયની ધમનીઓમાં ચરબી જમા થાય છે, જે ભવિષ્યમાં હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિઓનું મુખ્ય કારણ બને છે. ડાયાબિટીસ, પ્રી-ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને વધુ વજન ધરાવતા લોકોમાં આ જોખમ અનેકગણું વધી જાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સામાન્ય વજન ધરાવતા લોકોને પણ જોખમ

અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડિસ્લિપિડેમિયા માત્ર ખરાબ (LDL) કોલેસ્ટ્રોલમાં વધારો થવા પૂરતું મર્યાદિત નથી. ઘણા દર્દીઓમાં સારા (HDL) કોલેસ્ટ્રોલનું સ્તર ચિંતાજનક રીતે ઓછું હોય છે, જ્યારે અન્ય લોકોમાં ટ્રાઇગ્લિસેરાઇડનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. સૌથી મોટી ચિંતા એ છે કે જે લોકો દેખીતી રીતે એકદમ ફિટ અને સામાન્ય વજન ધરાવે છે, તેઓ પણ આ બીમારીનો ભોગ બની રહ્યા છે. તેથી, માત્ર શારીરિક વજન ઓછું હોવાના આધારે કોલેસ્ટ્રોલ સામાન્ય હોવાનો ભ્રમ રાખવો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

30 થી 39 વર્ષના યુવાનો સૌથી વધુ પ્રભાવિત

આ સંશોધનમાં એક મોટો ખુલાસો એ થયો છે કે અસામાન્ય કોલેસ્ટ્રોલની શરૂઆત મોટે ભાગે 30 વર્ષની આસપાસ જ થઈ જાય છે, અને 30 થી 39 વર્ષના વય જૂથના યુવાનોમાં આ જોખમ સૌથી વધુ જોવા મળ્યું છે. ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. આર.એમ. અંજનાના જણાવ્યા અનુસાર, ડિસ્લિપિડેમિયા હવે ભારતીયોમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. શહેરી વિસ્તારોમાં બેઠાડુ જીવનશૈલી, પ્રોસેસ્ડ ફૂડનો અતિરેક અને શારીરિક શ્રમનો અભાવ આ માટે મુખ્યત્વે જવાબદાર છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે 30 વર્ષની ઉંમર પછી પ્રત્યેક વ્યક્તિએ નિયમિત લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવો જોઈએ. રોજિંદી કસરત, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ તેમજ તળેલા ખોરાક, ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહીને આ જોખમને સમયસર ટાળી શકાય છે.

આ પણ વાંચો: Blinkit, Zepto કે લારીવાળા ભાઈ? ઘરનું રાશન ક્યાંથી મળશે સૌથી સસ્તું… આંખો ખોલી દેશે આ સરખામણી

Back to top button