
IND vs PAK Asia Cup 2025 Final: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025ના સુપર 4 મેચમાં પાકિસ્તાન સામે 6 વિકેટથી જીત મેળવી હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન અને હારિસ રઉફે અયોગ્ય હાવભાવ કર્યા અને ઉશ્કેરણીજનક ઉજવણી કરી હતી. ત્યારબાદ BCCI એ આ ખેલાડીઓની ICCને જાણ કરી હતી. ICCની સુનાવણી બાદ બંને પાકિસ્તાની ખેલાડીઓ ICC આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘન માટે દોષિત ઠર્યા હતા. ICC એ હવે ફાઇનલ પહેલા હારિસ રઉફ સામે કાર્યવાહી કરી છે.
હારિસ રઉફને સજા
ICC ની સુનાવણી બાદ, હારિસ રઉફને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો. તેણે બાઉન્ડ્રી પર ઉભા રહીને અયોગ્ય હાવભાવ કર્યા. મેચ દરમિયાન તેણે અભિષેક શર્મા સાથે પણ ઝઘડો કર્યો હતો. હવે તેને તેના ગેરવર્તણૂકનું પરિણામ ભોગવવું પડ્યું છે. દરમિયાન, ભારત સામે અડધી સદી ફટકારનાર સાહિબજાદા ફરહાને ‘ગન’ ઉજવણી કરી હતી. તેને ફક્ત ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમ સતત પાંચ મેચ જીતી છે.
વર્તમાન એશિયા કપમાં ભારત અને પાકિસ્તાને બે મેચ રમી છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં 7 વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ સુપર ફોરમાં પડોશી દેશ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું છે, એશિયા કપ 2025માં સતત પાંચ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ પાકિસ્તાન વર્તમાન ટુર્નામેન્ટમાં બે મેચ હારી ગયું છે અને ફાઇનલમાં પણ પહોંચ્યું છે.
એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન પ્રથમવાર ફાઈનલમાં ટકરાશે
T20 એશિયા કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 સપ્ટેમ્બરના રોજ રમાશે. એશિયા કપના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ ટુર્નામેન્ટની પહેલી આવૃત્તિ 1984 માં રમાઈ હતી. ત્યારબાદ હવે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ શક્ય બની છે.












