ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘મને તુ પસંદ નથી, તારો દોસ્ત પસંદ છે, તારે મરવુ હોય તો મરી જા….,’ ગર્લફ્રેન્ડની વાત સાંભળી પ્રેમીએ જીવન ટુંકાવ્યું

કાનપુરના યશોદા નગરના ઓ-બ્લોકમાં ચીસો ગુંજી ઉઠી, જ્યારે પરિવારનો એકમાત્ર સહારો અને એક માત્ર કમાનાર 17 વર્ષીય હૃદય રાય નામનો યુવક તેના જ રૂમમાં ચાદરના ફંદાથી લટકતો મળી આવ્યો. આ ઘટના બુધવાર-ગુરુવારની રાત્રે 11:15 વાગ્યાની આસપાસ બની હતી. માતા મંજુ રાય જ્યારે લાઇટ બંધ કરવા માટે રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમણે પુત્રનો મૃતદેહ ફાંસીથી લટકતો જોયો અને બેભાન થઈને ત્યાં જ જમીન પર ઢળી પડ્યા.

આખી વાતચીત ફોન પર રેકોર્ડ થઈ

પરિવારના જણાવ્યા મુજબ, તેના પિતાએ ખુલાસો કર્યો કે તેમના પુત્ર હૃદયના મૃત્યુનું સાચું કારણ તેની ગર્લફ્રેન્ડનો છેલ્લો ફોન કોલ છે, જેમાં તેણીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, “મને હવે તુ પસંદ નથી, મને તારો મિત્ર ગમે છે. જો તારે મરવું હોય તો મરી જા.” હૃદયે રડતા રડતા જ્યારે એમ કહ્યું કે, “હું મરી જઈશ,” તો સામેથી જવાબ મળ્યો કે, “તો મરી જા.” આ આખી વાતચીત હૃદયના ફોન પર રેકોર્ડ થઈ ગઈ.

એક વર્ષ જૂનો હતો સંબંધ

હૃદયના પિતા નીરજ રાયે જણાવ્યું કે, લગભગ એક વર્ષ પહેલા, કન્નૌજ જિલ્લામાં એક પારિવારિક સમારોહમાં હૃદયની મુલાકાત ત્યાંની એક યુવતી સાથે થઈ હતી. બન્નેએ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ શરૂ કર્યું, પછી ફોન નંબરની આપ-લે કરી, અને ધીમે ધીમે તેમનો પ્રેમ સંબંધ ગાઢ બન્યો. તેઓ વારંવાર મળતા હતા. પરિવારનો આરોપ છે કે, યુવતી હૃદય પાસેથી સતત પૈસા લેતી હતી. મોંઘી ભેટો, રિચાર્જ અને બહારના ચટાકા-પટાકા બધાનો ખર્ચો હૃદય જ આપતો. પરંતુ એક દિવસ, યુવતીએ અચાનક સંબંધ તોડવાનો નિર્ણય લીધો અને હૃદયના મિત્ર સાથેની તેની નિકટતા જાહેર કરી.

ફાંસી લગાવતી વખતે પણ ફોન વાગી રહ્યો હતો

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, જ્યારે હૃદયે ફાંસી લગાવી ત્યારે તેનો ફોન સતત વાગી રહ્યો હતો અને ફોન તેની ગર્લફ્રેન્ડ કરી રહી હતી. રિંગટોનનો અવાજ સાંભળીને તેની માતા રૂમ તરફ ગઈ. જોયુ તો રૂમની લાઇટ ચાલુ હતી. તેમણે જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો તો પુત્રનો મૃતદેહ લટકતો જોયો અને એક જ પળમાં તેમની આંખ સામે અંધકાર છવાઈ ગયો. તેમનો દીકરો હૃદય ફાંસીના ફંદામાં લટકતો હતો. તેમના ગળામાંથી એક દર્દભરી ચીસ નીકળી એ અવાજ સાંભળીને પડોશીઓ અને તેની બે બહેનો, વંશિકા અને નાભિકા દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

પોલીસ આ કેસની તપાસ કરી રહી છે

ઘટનાની માહિતી મળતાં જ નૌબસ્તા પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હૃદયનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો. તેના પર મળેલી ઓડિયો ક્લિપ અને ઇન્સ્ટાગ્રામ ચેટને મહત્વપૂર્ણ પુરાવા માનવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. અરજી મળ્યા પછી, જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: વૈષ્ણોદેવી કોલેજમાં 42 મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશ પર ભાજપનો હલ્લાબોલ, વિરોધ પ્રદર્શન શરૂ

Back to top button