ટ્રેન્ડિંગનેશનલ

‘મને દિલ્હીમાં વેચી, મારી સાથે 8 અન્ય યુવતીઓ…’ નોકરીની લાલચે દલાલો કરતા બાંગ્લાદેશી યુવતીઓનો વેપાર

નવી દિલ્હીઃ 26 ડિસેમ્બર, 2025: અસમના ધુબરી જિલ્લામાંથી માનવ તસ્કરીનો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. એક બાંગ્લાદેશી મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેને છેતરીને ભારત લાવવામાં આવી અને બાદમાં દિલ્હીમાં વેચી દેવામાં આવી હતી. હાલ આ મહિલા અસમના ધુબરી જિલ્લાના ગૌરીપુર પોલીસ સ્ટેશનની દેખરેખ હેઠળ છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

95 હજાર રૂપિયા લઈને ભારત લાવ્યા અને પછી…

બાંગ્લાદેશના કોમિલાની રહેવાસી પીડિતાએ રડતા રડતા જણાવ્યું કે, “મને અને અન્ય 8 યુવતીઓને નોકરીની લાલચ આપીને ઢાકાના રસ્તે પહાડી વિસ્તારોમાંથી ગેરકાયદે ભારત લાવવામાં આવી હતી. દલાલોએ અમારી પાસેથી 95,000 રૂપિયા પણ લીધા હતા. ભારત પહોંચ્યા પછી મારું નામ બદલીને ‘ઝૂમર રાય’ કરી દેવામાં આવ્યું અને નકલી આધાર કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યું. ત્યારબાદ અમને દિલ્હી લઈ જઈને અલગ-અલગ જગ્યાએ વેચી દેવામાં આવી.”

પોલીસની કામગીરી પર સવાલો

પીડિતાના જણાવ્યા મુજબ, તે કોઈક રીતે દિલ્હીથી જીવ બચાવીને ભાગી નીકળી હતી. તે પહેલા ગુવાહાટી અને પછી પશ્ચિમ બંગાળના કૂચબિહાર પોલીસ સ્ટેશને પહોંચી હતી, પરંતુ ત્યાંની પોલીસે તેને અસમના ગૌરીપુર જવા કહી દીધું. જ્યારે તે ગૌરીપુર પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારે ત્યાં પણ શરૂઆતમાં તેની વાત સાંભળવામાં આવી નહીં.

સ્થાનિક લોકો આવ્યા વ્હારે

નિરાધાર મહિલા જ્યારે ગૌરીપુરના બજાર વિસ્તારમાં ભટકી રહી હતી, ત્યારે તેની હાલત જોઈને સ્થાનિક લોકોએ તેને એક નર્સિંગ હોમમાં આશરો અપાવ્યો હતો. આ ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા અને વિસ્તારમાં વધતા ગૌરીપુર પોલીસ હરકતમાં આવી હતી અને મહિલાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

“મારે મારા દેશ પાછા જવું છે”

પીડિતાએ અત્યંત લાચારી સાથે કહ્યું કે, “મારે કોઈપણ સંજોગોમાં મારા દેશ બાંગ્લાદેશ પાછા જવું છે. હું એ બધી જ બહેનોને મદદ કરવા માંગુ છું જેઓ મારી જેમ દલાલોની જાળમાં ફસાઈને ક્યાંક વેચાઈ ગઈ છે. મને ખબર નથી કે મારી સાથે આવેલી અન્ય 8 યુવતીઓ અત્યારે ક્યાં અને કઈ હાલતમાં હશે.”

હાલ પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય યુવતીઓને શોધવા માટે તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ કબૂતરોને ચણ નાખવું ભારે પડ્યું: કોર્ટે વેપારીને ફટકાર્યો 5,000 રૂપિયાનો દંડ

આ પણ વાંચોઃ મુરાદાબાદ: ટ્રેનની પટરી પર સુઈ ગયો યુવક, ઉપરથી નીકળી ગઈ માલગાડી, RPF એ હોસ્પિટલ પહોંચાડ્યો

Back to top button