અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના નહેરુનગરમાં ભયાનક અકસ્માત: બેકાબૂ કારે એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદ, 11 ઓગસ્ટ 2025: અમદાવાદના નહેરુનગર ખાતે ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે રાત્રે લગભગ 1:30 વાગ્યે એક ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. મળતી વિગતો પ્રમાણે આરોપીઓએ જન્મ દિવસની ઉજવણી કરી હતી અને કારની રેસ પણ લગાવી હતી આ રેસે બે નિર્દોષ લોકોનો જીવ લીધો છે.
ઘટના અનુસાર, અકરમ અલ્તાફભાઈ કુરેશી (ઉંમર 22, રહે. જમાલપુર) અને અશફાક જાફરભાઈ અજમેરી (ઉંમર 35, રહે. જમાલપુર) એક્ટિવા પર નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, પાછળથી આવતી એક કાર (નં. GJ27DM9702)ના ચાલકે બેદરકારીપૂર્વક અને ઝડપથી વાહન ચલાવીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી. આ ટક્કરથી બંને યુવકો રોડ પર પટકાયા. અકરમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ગંભીર રીતે ઘાયલ અશફાકને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ સવારે 5:20 વાગ્યે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકોના ઇન્ક્વેસ્ટ પંચનામા કર્યા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આરોપી કાર ચાલક વિરુદ્ધ બેદરકારીભર્યું વાહન ચલાવવાનો ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને રસ્તા સલામતી અંગે ફરી એકવાર ચર્ચા ઉઠી છે.
Back to top button