શું છે ઈચ્છામૃત્યુ, જેની ભારતમાં પહેલીવાર મળી મંજૂરીઃ ઈતિહાસમાં ક્યાં છે ઉલ્લેખ, અલગ-અલગ દેશોમાં કેવા છે નિયમ?
નવી દિલ્હી: 11 માર્ચ, 2026: Supreme Court Verdict: ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં બુધવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે દેશમાં પ્રથમ વખત ‘નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ’ (Passive Euthanasia) ને કાયદેસરની મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે 32 વર્ષીય હરીશ રાણાના કેસમાં આ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.
શું છે હરીશ રાણાનો કેસ?
ગાઝિયાબાદનો રહેવાસી હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી અચેત અવસ્થા (Vegetative State) માં છે. 13 વર્ષ પહેલાં એક ઈમારત પરથી પડી ગયા બાદ તેની હાલત અત્યંત નાજુક થઈ ગઈ હતી. તેના માતા-પિતાએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેમના પુત્રને જીવંત રાખવા માટે વપરાતા તમામ કૃત્રિમ સાધનો હટાવી લેવામાં આવે, કારણ કે તેની સ્થિતિ દિન-પ્રતિદિન બગડી રહી હતી.
નિષ્ક્રિય અને સક્રિય ઇચ્છામૃત્યુ વચ્ચેનો તફાવત
ઇચ્છામૃત્યુ એટલે કે ‘યુથેનેશિયા’નો મુખ્ય હેતુ અસાધ્ય બીમારીથી પીડાતી વ્યક્તિને અસહ્ય શારીરિક કષ્ટમાંથી મુક્તિ આપવાનો છે. તેના બે પ્રકાર છે:
- સક્રિય ઇચ્છામૃત્યુ (Active Euthanasia): આમાં દર્દીના મૃત્યુ માટે ડોક્ટર સીધું જ કોઈ સક્રિય પગલું ભરે છે, જેમ કે જીવલેણ ઇન્જેક્શન આપવું. ભારતમાં આના પર પ્રતિબંધ છે.
- નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ (Passive Euthanasia): આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે વપરાતા બાહ્ય ટેકા (Life Support), જેમ કે વેન્ટિલેટર અથવા દવાઓ બંધ કરી દેવામાં આવે છે, જેથી દર્દી કુદરતી રીતે મૃત્યુ પામે. સુપ્રીમ કોર્ટે આ પદ્ધતિને મંજૂરી આપી છે.
ઇચ્છામૃત્યુનો વૈશ્વિક ઇતિહાસ
- પ્રાચીન કાળ: ગ્રીક મહાકાવ્ય ‘ઇલિયડ’ અને પ્લેટોના પુસ્તક ‘રિપબ્લિક’માં અસાધ્ય રોગીઓ માટે દયામૃત્યુનો ઉલ્લેખ છે. ભારતમાં પણ હિન્દુ ગ્રંથોમાં ‘પ્રાયોપવેશ’ (ઉપવાસ દ્વારા પ્રાણ ત્યાગવા) ની પરંપરા હતી.
- મધ્યકાળ: ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મમાં સક્રિય રીતે જીવન ટૂંકાવવાને ઈશ્વર વિરુદ્ધ ગણાવવામાં આવ્યું, જોકે ઇસ્લામમાં જીવન રક્ષક ઉપાયો હટાવવાની (નિષ્ક્રિય) છૂટ અપાઈ હતી.
20મી સદી: નાઝી જર્મનીમાં ‘T4 પ્રોગ્રામ’ હેઠળ ઇચ્છામૃત્યુના નામે થયેલા નર સંહારને કારણે આ વિષય વિવાદાસ્પદ બન્યો હતો.
કયા દેશોમાં માન્યતા છે?
- નેધરલેન્ડ (2001) અને બેલ્જિયમ (2002): સક્રિય ઇચ્છામૃત્યુને કાયદેસર કરનારા પ્રથમ દેશો.
- કેનેડા: અહીં MAiD પ્રોગ્રામ હેઠળ 2024 માં જ 15,300 થી વધુ ઇચ્છામૃત્યુના કેસ નોંધાયા છે.
- સ્વિટ્ઝર્લેન્ડ: 1942 થી સહાયિત આત્મહત્યા (Assisted Suicide) માન્ય છે.
- અન્ય દેશો: સ્પેન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જર્મનીમાં પણ વિવિધ શરતો સાથે આ માન્ય છે.
- પ્રતિબંધ: ઇસ્લામિક દેશોમાં શરિયત કાયદા હેઠળ આના પર સખત પ્રતિબંધ છે, જ્યારે ફ્રાન્સ અને બ્રિટન હજુ પણ આ બાબતે ખૂબ જ કડક વલણ ધરાવે છે.
ભારતમાં સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ‘ગૌરવપૂર્ણ મૃત્યુ’ (Death with Dignity) ના અધિકારને પુષ્ટિ આપે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












