અમદાવાદમાં ટ્રેક્ટર ડ્રાઇવરોને હેલ્મેટનો મેમો ફટકાર્યો: વાયરલ મેમોએ ઉભી કરી અનેક ચર્ચા

અમદાવાદ, 22 નવેમ્બર 2025: અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમો જાળવવા અનેક સિગ્નલો પર કેમેરા લગાવવામાં આવેલા છે, પણ હવે તેને લઈને એક અનોખો વિવાદ જાગ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ એક ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ૫૦૦ રૂપિયાની દંડની જોગવાઈ સાથે મેમો આપ્યો હતો. આ મેમો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઘણી ચર્ચાઓ જાગી છે. ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે આ નિર્ણયને અન્યાયી માનવામાં આવી રહ્યો છે, જ્યારે પોલીસ તેને રસ્તા સુરક્ષાના નિયમોનું વિસ્તરણ ગણાવે છે.
આ મેમો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે બાદ સોશિયલ મીડિયામાં પણ યુઝર્સ ઘણા સવાલ કરી રહ્યા છે. શું કોઈ ભૂલ કે ખામીના લીધે આ મેમો આપવામાં આવ્યો છે? ટ્રાફિક પોલીસ આટલી બેદરકાર કેમ હોઈ શકે છે? તો શું હવે ટ્રેક્ટર પર પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે.
આ સમગ્ર મામલો અધિકારીઓની સામે આવતાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કયા કારણોસર આ ભૂલ થઈ છે? આ મેમો દાણીલીમડા જંક્શનનો હોવાનું સામે આવ્યું છે. આ મેમો કેમ ઇશ્યૂ કરવામાં આવ્યો છે, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.











