ટ્રેન્ડિંગનેશનલ

એપ્સ્ટીન ફાઈલ્સમાં PM મોદી અને હરદીપ સિંહ પુરીનું નામ, સંસદ પરિસરમાં કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન, ક્યારે થશે સ્પષ્ટતા?

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: અમેરિકી બાળ યૌન અપરાધી જેફરી એપ્સ્ટીનના કેસમાં જાહેર થયેલા દસ્તાવેજોમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ સામે આવ્યુ છે, જેને લઈને કોંગ્રેસે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું છે અને તેમના રાજીનામાની માંગ કરી છે અને વડાપ્રધાન મોદીને આખા દેશ પાસે માફી માંગવા કહ્યું છે. INCના અધિકારીક X પોસ્ટમાં જણાવાયું છે કે પુરીએ એપ્સ્ટીન સાથે અનેક વખત મુલાકાત કરી હતી, જે દેશ માટે શરમજનક છે.

અમેરિકી ન્યાય વિભાગે તાજેતરમાં જાહેર કરેલા દસ્તાવેજોમાં પુરી અને એપ્સ્ટીન વચ્ચેના ઈમેઈલોનો ઉલ્લેખ છે, જેમાં મોટેભાગે LinkedInના સ્થાપક રીડ હોફમેનને ભારતમાં વેપારી તકો માટે આમંત્રિત કરવાના વિષય પર ચર્ચા છે. પુરીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે તેમની મુલાકાતો માત્ર ત્રણ-ચાર વખતની હતી, જે ન્યૂયોર્કના ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ (IPI) સાથે જોડાયેલી હતી. તેમણે કોઈ અપરાધમાં સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે અને આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે.

આ વિવાદે રાજકીય જવાબદારીના પ્રશ્નને ઉઠાવ્યો છે. અન્ય દેશોની વાત કરીએ તો, યુકેમાં એપ્સ્ટીન કનેક્શનને કારણે વડાપ્રધાન કીર સ્ટાર્મર પર દબાણ વધ્યું છે અને તેમના ચીફ ઓફ સ્ટાફે રાજીનામું આપ્યું છે. આ પહેલા, બોરિસ જોન્સને પાર્ટીગેટમાં રાજીનામું આપ્યું હતું. જાપાન અને યુરોપમાં પણ આવા કિસ્સાઓમાં મંત્રીઓ રાજીનામા આપે છે.

પરંતુ ભારતમાં આવા કિસ્સાઓમાં જવાબદારી સ્વીકારવાનું જોવા મળતુ નથી, ખાસ કરીને ભાજપના નેતાઓમાં. 2014થી અત્યાર સુધીમાં 25 વિપક્ષી નેતાઓ જેમના પર કૌભાંડના આરોપો લાગ્યા છે, તેઓ ભાજપમાં જોડાયા અને તેમાંથી 23ને તેમના કેસમાં રાહત મળી ગઈ છે, જેમાં 3 કેસ બંધ થઈ ગયા અને 20 સ્થગિત છે.

ભારતીય રાજકારણમાં તાજેતરમાં બે મોટા વિવાદો સામે આવ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના આરોપો અને આંતરિક રાજકીય જવાબદારીના પ્રશ્નો શામેલ છે. એક તરફ અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલી જેફરી એપ્સ્ટીનની ફાઇલ્સમાં ભારતીય નેતાઓના નામ આવ્યા છે, જ્યારે બીજી તરફ અદાણી ગ્રુપ પર અમેરિકામાં બ્રાઇબરીના આરોપો લાગ્યા છે. આ વિવાદો ભારતમાં રાજકીય જવાબદારી, પારદર્શિતા અને સત્તાધારી પાર્ટીની છબી પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. વિપક્ષ આને ભાજપની “વોશિંગ મશીન” તરીકે વર્ણવી રહ્યો છે, જ્યાં આરોપીઓને સાફ કરીને પાર્ટીમાં સમાવેશ કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં નેતાઓના રાજીનામા અથવા કાર્યવાહીની માંગ વધી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ મોટી કાર્યવાહી જોવા મળી નથી.

આ વિવાદે ભારતમાં રાજકીય જવાબદારીના માપદંડો પર પ્રશ્નો ઉભા કર્યા છે – શું ભાજપ નેતાઓના આવી કોઈ પણ ઘટનામાં નામ આવવું સામાન્ય બની ગયું છે, કે પછી દેશની જનતા જ આને નજર અંદાજ કરી રહી છે?

આ વિવાદ વધુ તીવ્ર બની શકે છે, કારણ કે કોંગ્રેસે સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી છે. પુરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમના સંબંધો વ્યાવસાયિક હતા અને એપ્સ્ટીનના અપરાધો સાથે કોઈ લેવા-દેવા નથી. જોકે, વિપક્ષ આને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યું છે અને તપાસની માંગ કરી રહ્યું છે.

આ વિવાદ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે તાજેતરમાં જાહેર થયેલી એપ્સ્ટીન ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામે આવ્યું. 2017માં જેફરી એપ્સ્ટીને અનિલ અંબાણી સાથેના ઈમેઇલ અને મેસેજમાં PM મોદીની ઇઝરાયલ વિઝિટ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો અંગે ચર્ચા કરી હતી. એપ્સ્ટીને દાવો કર્યો કે તેણે મોદીને ઇઝરાયલ સ્ટ્રેટેજી અંગે સલાહ આપી હતી, અને તેના કારણે મોદીએ ઇઝરાયલમાં ડાન્સ કર્યો અને ગીત ગાયું, જેથી ટ્રમ્પ ખુશ થાય – અને તે “કામ કરી ગયું”.

પણ અહીં મોટી વાત એ છે કે ફેક્ટ-ચેક અને સત્તાવાર સ્ત્રોતો અનુસાર, મોદી અને એપ્સ્ટીન વચ્ચે કોઈ ડાયરેક્ટ કનેક્શનના કોઈ પુરાવા નથી – ના મુલાકાત, ના કોલ, ના ફ્લાઇટ લોગમાં નામ. જોકે આ મુદ્દો આટલો ગંભીર હોવા છતા PM મોદીએ આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી, જે ઘણુ બધુ કહી જાય છે. જ્યારે આખો દેશ આ અંગે ખુલાસાની રાહ જોઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મૌન સાધીને વિદેશ યાત્રાઓમાં વ્યસ્ત જણાય છે, જાણે કંઈ થયું જ ના હોય તેમ.

આ વિવાદે દેશભરમાં ચર્ચા પેદા કરી છે, કારણ કે લોકો જાણવા માંગે છે કે શું આ માત્ર રાજકીય ષડયંત્ર છે કે પછી તેમાં કોઈ સત્યતા છે. તેઓ વડાપ્રધાન પાસેથી સીધી અને વિગતવાર સ્પષ્ટતાની અપેક્ષા રાખે છે જેથી આ આરોપોની અસર પર પૂર્ણ વિરામ મુકી શકાય અને દેશની પ્રતિષ્ઠા પર કોઈ આંચ ન આવે. જોકે જોવાનુ હવે એ રહે છે કે શું PM આ અંગે સ્પષ્ટતા કરશે કે પછી દરેક મુદ્દાની જેમ આ મુદ્દે પણ મૌન રહેશે?

આ પણ વાંચો: બિહારના આરામાં ડાન્સ દરમિયાન મોટી દુર્ઘટના: દર્શકે મોઢામાં સિક્કો પકડાવ્યો ને મહિલા કલાકાર ગળી ગઈ, હાલત ગંભીર

Back to top button