ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના લોકોને આજથી રાહત: તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat weather today: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અગનભઠ્ઠી જેવી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો નીચે જશે, જેના કારણે લોકોને અસહ્ય લૂમાંથી મુક્તિ મળશે.

હાલમાં અમદાવાદ 43.1 ડિગ્રી અને ભાવનગર 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ નોંધાયા છે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફથી આવી રહેલી વરસાદી સિસ્ટમને કારણે તાપમાન ઝડપથી ઘટશે.

આજથી 4 જૂન સુધી તોફાની વરસાદની આગાહી

તાપમાનમાં ઘટાડાની સાથે જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે 30 મે થી ૪ જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ પ્રિ-મોન્સૂન સિસ્ટમ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક જેટલી આકરી રહેવાની શક્યતા છે.

આજે 30 મે ના રોજ સરહદી કચ્છ, બનાસકાંઠા, પાટણ તેમજ પૂર્વ પટ્ટીના પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણ પલટાશે અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

વાતાવરણનો આ પલટો આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે. 31 મે ના રોજ મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારો પલળશે. જ્યારે 1 જૂનના રોજ ચોમાસા પૂર્વેની આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં લંબાશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે. આગામી 2 જૂનના રોજ આ સિસ્ટમ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ આવરી લેશે.

હવામાન વિભાગે માછીમારો અને ખેડૂતોને આ તીવ્ર પવન અને ગાજવીજ દરમિયાન સાવચેત રહેવા અને ખેત પેદાશોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા ખાસ સૂચના આપી છે.

આગામી 7 દિવસ ક્યાં અને ક્યારે વરસાદ પડશે?

દિવસ-1 (30 મે સુધી): સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.

દિવસ-2 (30 મેથી 31 મે): વરસાદની શરૂઆત થશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દિવસ-3 (31 મેથી 1 જૂન): ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ (બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર)માં થોડા સ્થળોએ અને દક્ષિણ ગુજરાત તથા ગીર સોમનાથ-દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.

દિવસ-4 (1 જૂનથી 2 જૂન): આ દિવસે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર) વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ રહેશે.

દિવસ-5 (2 જૂનથી 3 જૂન): દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ (વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી) વરસાદી માહોલ જામશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં થોડા સ્થળોએ વરસાદ પડી શકે છે.

દિવસ-6 અને  (3 જૂનથી 5 જૂન): ઉત્તર ગુજરાતમાં થોડા સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ (જેમાં દિવસ-6માં રાજકોટ સહિત)માં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ યથાવત્ રહેશે.

ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગે વરસાદની સાથે ગાજવીજ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઝંઝાવાતી પવનની ચેતવણી આપી છે. આ ઉપરાંત, કેટલાક જિલ્લાઓમાં અલગ-અલગ દિવસોએ ભારે વરસાદ પડવાની આશંકા છે.

ભારે વરસાદની ચેતવણીવાળા જિલ્લાઓ

31 મેથી 1 જૂન: અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

1 જૂનથી 2 જૂન: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે.

2 જૂનથી 3 જૂન: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Back to top button