
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ આગામી દિવસોમાં વધુ સક્રિય બનવાની સંભાવના છે. હવામાન વિભાગે આજે (28 જૂન) રાજ્યના 11 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ, જુલાઈ મહિનાની શરૂઆતથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આજે કયા જિલ્લામાં પડશે વરસાદ?
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સુકું રહે તેવી શક્યતા છે.
દરિયાકાંઠે તેજ પવન, માછીમારોને એલર્ટ
1 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠા પર હવામાન વધુ ખરાબ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, જે કેટલાક વિસ્તારોમાં વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ
હાલ ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથે જ આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધી ટ્રફ લાઇન યથાવત હોવાથી આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
ત્રણ દિવસનું વરસાદી અનુમાન
28 જૂન: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
29 અને 30 જૂન: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
જુલાઈની શરૂઆતથી વરસાદનું જોર વધશે
1 જુલાઈ: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને તેજ પવનની આગાહી છે.
2 અને 3 જુલાઈ: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસામાં પણ ગરમીથી રાહત નહીં
રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ છતાં ગરમી અને બફારાનો માહોલ યથાવત રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. જ્યારે અમરેલી, ભાવનગર અને ભુજમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું. બીજી તરફ રાજ્યના 54 તાલુકાઓમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ થયો નથી.
2 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા
હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ દરમિયાન ચોમાસું સમગ્ર ગુજરાતમાં સક્રિય બનશે. 2 જુલાઈથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 2 અને 3 જુલાઈ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ભાવનગર જિલ્લામાં 1 અને 2 જુલાઈએ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું જમાવટ કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડના જવાને સર્વિસ રાઈફલથી ગળામાં ગોળી મારી, હાલત ગંભીર












