સફાઈ કામદારોના તેજસ્વી બાળકોને ગુજરાત સરકાર આપશે ₹51,000 સુધીનું ઇનામ, જાણો અરજી કરવાની રીત

Gujarat News: આણંદ જિલ્લાના સફાઈ કામદારોના આશ્રિત બાળકોના શૈક્ષણિક વિકાસ અને પ્રોત્સાહન માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા વર્ષ 2026 ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આણંદ જિલ્લાના લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આ સુવર્ણ તકનો લાભ લેવા માટે જિલ્લા મેનેજર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
કયા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી?
આ યોજના હેઠળ માર્ચ/એપ્રિલ-2026 માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે:
* ધોરણ-10 (SSC) ના તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ.
* ધોરણ-12 (HSC) સામાન્ય પ્રવાહ (આર્ટસ), કોમર્સ અથવા વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) માં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓ.
પ્રથમ ત્રણ નંબર મેળવનારને મળશે આટલી મોટી રકમ
નિગમ દ્વારા ઓનલાઇન પોર્ટલ પર મળનારી અરજીઓમાંથી મેરિટના આધારે આણંદ જિલ્લાના વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે:
* પ્રથમ ક્રમ: રૂ. 51,000 નું રોકડ ઇનામ
* દ્વિતીય ક્રમ: રૂ. 41,000 નું રોકડ ઇનામ
* તૃતીય ક્રમ: રૂ. 31,000 નું રોકડ ઇનામ
સૌથી મહત્વની બાબત એ છે કે આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની આવક મર્યાદા (Income Limit) રાખવામાં આવી નથી. એટલે કે તમામ સફાઈ કામદારોના બાળકો આમાં ભાગ લઈ શકે છે.
જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની છેલ્લી તારીખ
લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ ઘરે બેઠા ઓનલાઇન માધ્યમથી જ ફોર્મ ભરવાનું રહેશે:
* જરૂરી ડોક્યુમેન્ટ્સ: અરજી કરવા માટે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું સફાઈ કામદારના આશ્રિત હોવાનું અસલી પ્રમાણપત્ર અને વર્ષ ૨૦૨૬ ની બોર્ડની માર્કશીટ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
* અરજી માટેની વેબસાઈટ: વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
* છેલ્લી તારીખ: ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 30/06/2026 નક્કી કરવામાં આવી છે. નિયત સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ Rajkot: પરિણીતાએ પતિના અફેર અને સાસરીયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચોઃ કોણ છે ‘એમ સર’? NEET પેપર લીક સાથે શું છે કનેક્શન, CBIએ કરી ધરપકડ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












