આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં સોનાના રેકોર્ડબ્રેક ભાવ, ટેરિફની તલવારથી નોકરીઓ અને નિકાસ જોખમમાં

અમદાવાદ, તા. 10 ઓગસ્ટ, 2025: અમદાવાદમાં શનિવારે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,04,300ની અભૂતપૂર્વ સપાટીએ પહોંચ્યો હતો. ને ચાંદી પ્રતિ કિલો રૂ. 1.15 લાખ થઈ હતી. જેના કારણે જ્વેલર્સ અને બુલિયન વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવને કારણે સલામત રોકાણ ગણાતા સોનાની માંગ વધતા ભાવમાં પણ વધારો થયો હતો. ભારતના જ્વેલરી નિકાસકારોને તેમના સૌથી મોટા બજાર અમરિકાએ  લાદેલા ઉંચા ટેરિફનો વધારાનો ફટકો પડ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું કે, સ્થિતિ ગંભીર છે. સલામત રોકાણ ગણાતા સોનાના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધ્યા છે. પરિણામે, બુલિયનનું વેચાણ ઝડપથી ઘટ્યું છે અને જ્વેલરીની માંગ તો તેનાથી પણ નબળી છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આ ક્ષેત્રમાં મોટી બેરોજગારી સર્જાશે. આગામી તહેવારોની સિઝનમાં વેચાણ પર પણ અસર થવાની સંભાવના છે.”

અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સના ડેટા અનુસાર, એપ્રિલ અને જુલાઈ 2025 વચ્ચે ગુજરાતમાં સોનાની આયાત વાર્ષિક ધોરણે 70% ઘટીને માત્ર 8.4 મેટ્રિક ટન થઈ છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)નો અંદાજ છે કે 2023-24માં યુએસમાં ભારતની સોનાની જ્વેલરીની નિકાસ $2.81 બિલિયન હતી, જે તે બજારમાં કુલ જેમ્સ અને જ્વેલરીની નિકાસના લગભગ 29% છે. તાજેતરમાં યુએસ દ્વારા તમામ ભારતીય માલસામાન પર 50% ટેરિફની જાહેરાતથી ઉદ્યોગમાં ભયનો માહોલ ફેલાયો છે.

GJEPCના ચેરમેન કિરિટ ભણસાલીએ જણાવ્યું કે, “યુએસ સૌથી મોટું બજાર છે, જે $10 બિલિયનથી વધુની નિકાસનું એકમાત્ર બજાર છે – જે અમારા વૈશ્વિક વેપારના લગભગ 30% છે. આટલા મોટા ટેરિફથી ઉદ્યોગ ઠપ્પ થઈ શકે છે અને નાના કારીગરોથી માંડીને મોટા ઉત્પાદકો સુધીની વેલ્યુ ચેઇનના દરેક ભાગને ખતરો છે. SEEPZ SEZ, જ્યાં 50,000 લોકો કામ કરે છે, તેની લગભગ 85% નિકાસ યુએસમાં થાય છે, અને ભારતના અડધા કટ અને પોલિશ્ડ હીરા યુએસમાં મોકલવામાં આવે છે. ભણસાલીએ ઉમેર્યું કે, તુર્કી, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા સ્પર્ધાત્મક કેન્દ્રો 15-20% ના ટેરિફનો લાભ લે છે, જેના કારણે ભારતીય માલ ઓછો સ્પર્ધાત્મક બને છે. અમે તાત્કાલિક રાહત અને નીતિગત સહાય માટે સરકારને અપીલ કરીએ છીએ.

ઉદ્યોગના નિષ્ણાતો ચેતવણી આપી કે, વિક્રમી ઉંચા ભાવ અને ઘટતા વિદેશી ઓર્ડરના કારણે નાના અને મધ્યમ કદના જ્વેલર્સને કામકાજ ઘટાડવાની ફરજ પડી રહી છે. શ્રી માણેક ચોક ચોક્સી મહાજનના સભ્ય હેમંત ચોક્સીએ જણાવ્યું કે, 22-કેરેટ જ્વેલરીના ઓર્ડર ઘટ્યા છે. અમારા એક ગ્રાહકે એક સોનાની અને હીરાની વીંટી ખરીદી, જેમાં હીરાની કિંમત રૂ. 30,000 હતી, સોનાનું વજન માંડ 4.3 ગ્રામ હતું, તેમ છતાં કુલ કિંમત કર સાથે રૂ. 80,000થી વધુ થઈ હતી. હાલ લોકો સોનાની ખરીદી ટાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: દેશમાંથી 334 પોલિટિકલ પાર્ટીના રજિસ્ટ્રેશન રદ કરી દીધા

Back to top button