ગુજરાતચૂંટણી 2022

ગુજરાત ચૂંટણી 2022 : પક્ષપલટો કરી ભાજપમાં આવેલા ક્યાં નેતાઓ જીત્યા અને કોણ હાર્યું ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરીણામ આવ્યું છે. જે કોઈપણ પક્ષ માટે લગભગ આશ્ચર્યજનક છે. કારણકે અહીં ભારતીય જનતા પાર્ટીએ લગભગ તમામ રેકોર્ડ તોડીને 150થી વધુ બેઠકો કબજે કરી છે એટલે કે લગભગ વિરોધપક્ષનું નામું જ કાઢી નાખ્યું છે. ત્યારે આજે અહીં આપણે એવા નેતાઓની વાત કરવી છે કે જેઓ પક્ષપલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ચૂંટણી લડ્યા હતા. ઉપરાંત તેમાંથી ક્યાં નેતાઓએ જીત મેળવી છે અને કોને હારનો સામનો કરવો પડ્યો છે.

કઈ-કઈ બેઠક ઉપર કોણ ઉમેદવાર જીત્યો અને કોણ હાર્યું ?

2022માં ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. એટલું જ નહીં કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધાં છે. તો વળી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ પ્રજાએ સ્વીકારી લીધા છે. કોંગ્રેસમાં ધારાસભ્ય બનેલા પણ અનેક કારણોસર ભાજપમાં ભળેલા તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્યોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી હતી. જે નીચે મુજબ છે.

સૌરાષ્ટ્રમાં ચાર બેઠકો ઉપર હતા કોંગ્રેસી ઉમેદવાર

આજે આવેલા ગુજરાતના વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા છે. ત્યારે આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપે ચાર બેઠકો ઉપર પક્ષ પલટુ નેતાઓને ટિકિટ આપી હતી. જેમાં જસદણ બેઠક પર ફરી એકવાર કુંવરજી બાવળિયાનો વિજય થયો છે. મહત્વનું છે કે, કુંવરજી કોંગ્રેસમાં રેકોર્ડ બનાવ્યા હતા હવે ભાજપમાં પણ તેઓ રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્ય સરકારમાં મંત્રી રહેલા બાવળિયા સતત બીજીવાર ભાજપમાં જીત્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ નેતા જવાહર ચાવડા ભાજપમાં જોડાયા બાદ પહેલી વાર જીત્યા હતા. જોકે આ વખતે તેઓની કારમી હાર થઈ છે. માણાવદર બેઠક પર જવાહર ચાવડાને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે તેઓ 2019માં પેટાચૂંટણી જીતી ગયા હતા. જ્યારે કે, વિસાવદર બેઠક ઉપર હર્ષદ રિબડિયાની પણ હર થઈ છે. હર્ષદ રિબડિયાએ કોંગ્રેસમાંથી છેલ્લી ઘડીએ ભાજપનો ખેસ પહેર્યો હતો. જે બાદમાં ભાજપે તેમણે વિસાવદર બેઠક પર ટિકિટ આપી હતી. જોકે હવે આજે પરિણામ જાહેર થતાં આપના ઉમેદવાર સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કે, તાલાલા બેઠક પર ભગવાનભાઈ બારડનો વિજય થયો છે. જોકે તેઓ પોતાના કાર્યકાળ દરમ્યાન કોંગ્રેસમાં રહ્યા બાદ છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાય હતા. જેથી ભાજપે તેમણે તાલાલા બેઠક પર જ ટિકિટ આપ્યા બાદ આજે તેમનો વિજય થયો છે.

પાટનગરની દક્ષિણ બેઠકમાં અલ્પેશ ઠાકોરને લોકોએ વધાવ્યા

આ સિવાય ભારતીય જનતા પાર્ટી તરફથી ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકમાંથી ટિકિટ મેળવનાર અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો એમને પાટીદાર અનામત આંદોલન સમયે ઠાકોર સેના બનાવીને લડત ચલાવી હતી. જે બાદમાં કોંગ્રેસમાં રાધનપુરથી જીત મેળવી અને પછી ભાજપમાં જોડાયા અને ફરી રાધનપુરમાં પેટાચૂંટણી લડ્યા પણ ત્યાં અલ્પેશ ઠાકોરને સામનો કરવો પડ્યો હતો. જોકે વખતે અલ્પેશ ઠાકોરની સીટ બદલાતા તેમના ગાંધીનગર દક્ષિણમાં જીત મળી છે.

અબડાસા, વિરમગામ અને સિદ્ધપુરમાં પણ પક્ષ પલટુઓની બોલબાલા

આ ઉપરાંત કચ્છની અબડાસા બેઠક પર 2017માં કોંગ્રેસમાં જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલટો કર્યો અને ભાજપમાં લડીને જીત્યા હતા. જોકે આ વખતે ફરી ભાજપે ટિકિટ આપી હતી. જેમાં ભાજપનો દાવ સફળ રહ્યો હતો અને પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ હતી. જ્યારે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલને આ વખતે ભાજપે વિરમગામથી ટિકિટ આપી હતી. પહેલા કોંગ્રેસ અને બાદમાં ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલની વિરમગામ બેઠક પરથી ભવ્ય જીત થઈ છે. જોકે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલની વિરમગામમાં જીત થતાં તેમણે સમર્થકોએ અભિનંદન આપ્યા હતા. જ્યારે કે, પાટણ જિલ્લાની સિધ્ધપુર બેઠક ઉપર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે. કોંગ્રેસમાં વર્ષો સુધી રહેનાર અને રાજ્યસભા ચૂંટણી બાદ બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભામાં લડાવાયા હતા. જોકે ત્યાં તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદમાં હવે આ વખતે ભાજપે તેમણે સિધ્ધપુરથી ટિકિટ આપી અને તેઓએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને હરાવ્યા છે.

Back to top button