
Umreth Seat By Election 2026 Live: ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે (23 એપ્રિલ 2026) પેટાચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. મતગણતરી 28 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. 2.45 લાખ મતદારો મતદાન કરશે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ 6 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
બપોરે 3 વાગ્યા સુધી 46.65% મતદાન
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહભેર મતદાન નોંધાઈ રહ્યું છે. વહેલી સવારના ઠંડા પહોરમાં જ મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલુ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તમામ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે લોકોને ગરમીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા પણ સૂચના આપી છે. મતદાનના આંકડાઓ મુજબ, સવારે 9 વાગ્યા સુધી પ્રથમ બે કલાકમાં આશરે 10 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ સવારે 11 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને 25.65 ટકા થયો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં 37.23 ટકા મતદાન નોંધાયું હતું.
ભારે ગરમી હોવા છતાં મતદારોનો ઉત્સાહ ઓછો થયો નથી. બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 46.65 ટકા મતદાન નોંધાતા લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. અંતિમ કલાકોમાં મતદાનનો આંકડો વધુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
2: 00- બપોરે 1 વાગ્યા સુધીમાં 37 ટકા મતદાન થયું
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા બપોરે 1:00 વાગ્યા સુધીના ટ્રેન્ડ્સ મુજબ, ઉમરેઠ બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 1:00 વાગ્યા સુધીના 37.14 % મતદાન થયું છે. 1 વાગ્યા સુધીમાં 51,383 પુરુષ મતદારોએ મતદાન કર્યુ, જ્યારે 40,052 મહિલાઓએ મતદાન કર્યું હતું. તે ઉપરાંત 3 ટ્રાન્સઝેન્ડર મતદારોએ મતદાન કર્યું હતું. આમ બપોરે 1 વાગ્યા સુધી કુલ 91,438 લોકોએ મતદાન કર્યું હતું. 11 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે 12 ટકા મતદાન થયું છે.
12: 30- 11 વાગ્યા સુધી 25 ટકા મતદાન નોંધાયું
ચૂંટણી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 25 ટકા મતદાન નોંધાયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે શહેર વિસ્તારોમાં પણ ધીમે ધીમે મતદાનમાં વધારો થઈ રહ્યો છે.
૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬ માટે ૩૦૬ મતદાન મથકો પર ચાલી રહેલ શાંતિપૂર્વક મતદાન.@ECISVEEP @SpokespersonECI @CEOGujarat @PIBAhmedabad @InfoGujarat @InfoAnandGoG pic.twitter.com/vDZTGTCbhq
— Collector and DM Anand (@CollectorAnd) April 23, 2026
મતવિસ્તાર અને મતદારોનું ચિત્ર
ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં 46 ગામો અને ઓડ, ઉમરેઠ તથા બોરીયાવી જેવી 3 નગરપાલિકાનો સમાવેશ થાય છે. કુલ 2,45,623 મતદારોમાં 1,26,545 પુરુષો, 1,19,072 મહિલાઓ અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં 18થી 19 વર્ષની વયના 4,174 યુવાનો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે.
વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો
85 વર્ષથી વધુ વયના 1,556 સુપર સિનિયર સિટિઝન્સ પણ મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. સાથે જ 1,546 દિવ્યાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાંના 85 વર્ષથી વધુ વયના 88 અને 13 દિવ્યાંગ મતદારો પહેલેથી જ ઘરેથી મતદાન કરી ચૂક્યા છે.
૧૧૧- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬ અન્વયે વયોવૃધ્ધ મતદારો અને દિવ્યાંગ મતદારો માટે સહાયક વાહન વ્યવસ્થા અને વ્હીલ ચેર વ્યવસ્થા.@ECISVEEP @SpokespersonECI @CEOGujarat @InfoGujarat @InfoAnandGoG @PIBAhmedabad pic.twitter.com/8UbvtKj5A3
— Collector and DM Anand (@CollectorAnd) April 23, 2026
12: 00 – ચિખોદરામાં પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું
ચિખોદરા ગામની કુમારશાળા ખાતેના મતદાન મથકે એક પ્રેરણાદાયક દ્રશ્ય સામે આવ્યું છે. વૃદ્ધ મતદાર પરષોત્તમભાઈએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને યુવાઓને લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવવાની પ્રેરણા આપી છે. તેમના આ પગલાથી યુવાનોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી રહી છે.
પ્રશાસનની નજર અને નિયંત્રણ
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. 306 મતદાન મથકો પર થતી તમામ કામગીરી પર ઓડ ખાતેના જિલ્લા કંટ્રોલ રૂમથી વેબકાસ્ટિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
09:00- 2 કલાકમાં 10 ટકા મતદાન
વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠંડા પહોરમાં જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. સવારે 9 વાગ્યા સુધીમાં પ્રથમ બે કલાકમાં અંદાજે 10 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તમામ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.
મતદારો માટે ખાસ વ્યવસ્થા
મતદારોને સરળતા રહે તે માટે વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી છે. કુલ 218 વ્હીલચેર ઉપલબ્ધ રાખવામાં આવી છે, જ્યારે 361 સ્વયંસેવકો મતદારોને માર્ગદર્શન અને મદદ માટે હાજર છે. 85 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો માટે બુથ સુધી નિઃશુલ્ક મુસાફરી માટે 6 વાહનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

મતદાન મથકો અને સુવિધાઓ
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ 306 મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા છે. તેમાં શહેરી વિસ્તારમાં 68 અને ગ્રામ્ય વિસ્તારમાં 238 મતદાન મથકોનો સમાવેશ થાય છે. તમામ મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરીને દરેક ગતિવિધિ પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે.
સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે 23 એપ્રિલ, ગુરૂવારે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. સમગ્ર મત વિસ્તારમાં કુલ 2,45,623 મતદારો નોંધાયેલા છે, જે 46 ગામોના 306 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.












