ગુજરાત: ઈ-મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતજો! નહિ તો બેંક એકાઉન્ટ થશે ખાલી

- ગઠિયાઓ સામે સતર્કતા માટે યુ.આર.એલ.ને ઘ્યાનપૂર્વક સમજવા અને ચકાસવા જરૂરી બન્યા
- ઓટીપી, સીસીવી અને એમ પીન મેળવી લઈને પણ છેતરપિંડી કરવામાં આવે છે
- ઈ-પરિવહન વેબસાઈટ જેવી જ એપ્લિકેશન હોય તેવી લિન્ક મોકલવામાં આવે છે
ઓનલાઈન ચિટિંગ કરતાં ગઠિયાઓ નવી પઘ્ધતિઓ અપનાવીને સતત સક્રિય રહે જ છે. અગાઉ અઢળક લોકોને ટ્રાફિક નિયમ તોડવામાં આવ્યો છે તેવી નોટિસ મોકલીને દંડ ભરવા માટે લિન્ક મોકલવામાં આવતી હતી. છેલ્લા થોડા સમયથી ફરી વખત ટ્રાફિક નિયમભંગ કર્યાની નોટિસ સાથે લિન્ક મોકલાય છે. આ લિન્કથી ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઈટ કે એપ્લિકેશન ખુલે તેમાં દર્શાવેલી બેન્ક ખાતા તેને સંલગ્ન વિગતો લખવામાં આવતાં જ બેન્ક ખાતું હેક કરીને પૈસા સેરવી લેવામાં આવતાં હોવાથી ઘટનાઓ બની રહી છે. નિયમ તોડ્યો ન હોય તો પણ ઈ-ચલણ નોટિસ મોકલીને ઠગાઈ કરતાં સાયબર ગઠિયાઓ સામે સતર્કતા માટે યુ.આર.એલ.ને ઘ્યાનપૂર્વક સમજવા અને ચકાસવા જરૂરી બન્યા છે.
ઈ-પરિવહન વેબસાઈટ જેવી જ એપ્લિકેશન હોય તેવી લિન્ક મોકલવામાં આવે છે
ઈ-ચલણ સ્કેમ અંતર્ગત પહેલાં તો ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેઈલ કરીને તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને તમારે દંડ ભરવો પડશે તેવી જાણ કરવામાં આવે છે. પોલીસ જેવો લોગો સાથેના આ મેસેજમાં આપેલી લિન્ક ઉપર દંડની રકમ ભરવા માટે તાકીદ કરવામાં આવે છે. આરટીઓ કે ટ્રાફિક પોલીસની ઈ-પરિવહન વેબસાઈટ જેવી જ એપ્લિકેશન હોય તેવી લિન્ક મોકલવામાં આવે છે. આ લિન્ક ઉપર ક્લિક કરતાં જ ઈ-પરિવહન જેવી નકલી એપ્લિકેશન તમારા મોબાઈલ ફોન ઉપર ડાઉનલોડ કરવા જણાવાય છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિન્ક ઉપર ક્લિક કર્યા પછી તેમાં જન્મતારીખ, પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, બેન્ક એકાઉન્ટ વિગતો માગવામાં આવે છે.
ઓટીપી, સીસીવી અને એમ પીન મેળવી લઈને પણ છેતરપિંડી કરવામાં આવે છે
ઓટીપી, સીસીવી અને એમ પીન મેળવી લઈને પણ છેતરપિંડી કરવામાં આવે છે. આ પ્રકારની લિન્ક આવે તો ઘ્યાનપૂર્વક તેમાં દર્શાવેલા સરકારી વેબસાઈટના સ્પેલિંગને ઘ્યાનપૂર્વક તપાસતાં જ ઠગાઈનો મેસેજ હોવાનું જણાઈ આવે છે. પોલીસ ઉપરાંત બેન્કો પણ નાગરિકોને સતર્ક રહેવા તાકીદ કરે છે કે, આવી લિન્ક ઉપર ક્લિક કરવાથી બેન્ક એકાઉન્ટ હેક કરીને પૈસા ચોરી લેવાય તેવી શક્યતા વધી જાય છે. કેન્દ્ર સરકારે સત્તાવાર એડવાઈઝરી જાહેર કરી છે તેમાં જણાવાયું છે કે, ટ્રાફિક ઓથોરિટી તરફથી જ આવ્યા હોય તેવા નકલી મેસેજ કે ઈ-મેઈલ સાથે મોકલાતી લિન્કથી ટ્રાફિક ઓથોરિટી જેવી જ બનાવટી વેબસાઈટ ખુલે છે. અથવા તો સાયબર ગઠિયાઓ બનાવેલી ટ્રાફિક ઓથોરિટી જેવી બનાવટી મોબાઈલ એપ્લિકેશન ખુલે છે. આવી બનાવટી એપ્લિકેશન કે વેબસાઈટથી ઈ-ચલણના નામે તમારી બેન્કની વિગતો જાણીને બેન્ક એકાઉન્ટસમાંથી પૈસા સેરવી લેવામાં આવે છે.
આ પણ વાંચો: જામનગર: MLAના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ થયો












