IPLટોપ ન્યૂઝ

IPL 2026: શુભમન ગિલની વિસ્ફોટક સદી, રાજસ્થાન રોયલ્સને હરાવી ગુજરાત ટાઇટન્સ ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ્યું

IPL 2026, GT vs RR Qualifier 2 Match Result: કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે IPL 2026 ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં ભવ્ય પ્રવેશ કર્યો છે. પાંચ સીઝનમાં ગુજરાતની ટીમ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે, જ્યાં તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે. 215 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમને કેપ્ટન ગિલે પોતે મોખરે રહીને વિજય અપાવ્યો હતો. તેમણે માત્ર 53 બોલમાં 104 રનની શાનદાર શતકીય ઇનિંગ રમીને રાજસ્થાનના બોલરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. ગિલની આ ઇનિંગે રાજસ્થાનના વૈભવ સૂર્યવંશીની 96 રનની ઇનિંગને ઝાંખી પાડી દીધી હતી.

વૈભવ સૂર્યવંશી ફરી સદી ચૂક્યો, રાજસ્થાને બનાવ્યો પહાડ જેવો સ્કોર

આ મહત્વપૂર્ણ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પ્રથમ બે ઓવરમાં જ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન રિયાન પરાગ શૂન્ય રને આઉટ થઈ જતાં ટીમ ભારે દબાણમાં આવી ગઈ હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં ઇનફોર્મ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ રવિન્દ્ર જાડેજા (અણનમ 45) સાથે મળીને ઇનિંગ્સને સ્થિર કરી હતી.

પાંચમી ફિફ્ટી ફટકારી

વૈભવે આ સીઝનની તેની પાંચમી ફિફ્ટી ફટકારી હતી. પરંતુ કમનસીબે, એલિમિનેટર મેચની જેમ આ મેચમાં પણ તે સદીથી માત્ર 4 રન દૂર રહી ગયો હતો અને 47 બોલમાં 96 રન બનાવીને થર્ડ મેન પર કેચ આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં ડોનોવન ફેરેરાએ રાશિદ ખાનના બોલ પર ચાર આકાશી છગ્ગા ફટકારીને માત્ર 11 બોલમાં અણનમ 38 રન ઝૂડી કાઢ્યા હતા, જેના કારણે રાજસ્થાન 20 ઓવરમાં 214 રનના મજબૂત સ્કોર સુધી પહોંચી શક્યું હતું. ગુજરાત તરફથી જેસન હોલ્ડર અને કાગીસો રબાડાએ બે-બે વિકેટ ઝડપી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગિલ અને સુદર્શનની રેકોર્ડબ્રેક ભાગીદારી

આઈપીએલના ઇતિહાસમાં ગુજરાતે અગાઉ ક્યારેય 210 થી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો ન હતો અને આવી તમામ સાત મેચોમાં તેનો પરાજય થયો હતો. આ ઇતિહાસ બદલવા માટે ટીમને મજબૂત શરૂઆતની જરૂર હતી. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને મેદાન પર ઉતરીને બરાબર એ જ કામ કર્યું હતું. રાજસ્થાનના ફિલ્ડરોએ શરૂઆતમાં સાઈ સુદર્શનનો માત્ર 14 રન પર એક આસાન કેચ છોડ્યો હતો, જે ભૂલ આખરે રાજસ્થાનને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવા માટે જવાબદાર સાબિત થઈ હતી.

ગુજરાતનો 7 વિકેટે વિજય

આ જીવનદાનનો પૂરો ફાયદો ઉઠાવીને સુદર્શને માત્ર 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ગિલ અને સુદર્શને માત્ર 13 ઓવરમાં 167 રનની તોફાની ઓપનિંગ ભાગીદારી કરીને રાજસ્થાનને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધું હતું. સાઈ સુદર્શન 58 રન બનાવી આઉટ થયો હતો, પરંતુ શુભમન ગિલે પ્લેઓફમાં પોતાની બીજી સદી પૂરી કરી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. અંતમાં જોસ બટલર, વોશિંગ્ટન સુંદર અને રાહુલ તેવતિયાએ બાકીના રન બનાવીને 18.4 ઓવરમાં જ ગુજરાતને 7 વિકેટે ભવ્ય વિજય અપાવી દીધો હતો.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા છોડશે મુંબઈ ઈન્ડિયન્સ! રોહિત-સૂર્યા સાથેના અણબનાવની ચર્ચાથી ક્રિકેટ જગત સ્તબ્ધ

Back to top button