દેશમાં દરેક LPG સિલિન્ડર પર ટેક્સ વસૂલશે સરકાર? જાણો શા માટે ગેસના બાટલા મોંઘા કરવાનો પ્લાન બનાવી રહી છે કેન્દ્ર સરકાર

Government tax on LPG cylinders price hike: કેન્દ્ર સરકાર દેશમાં રસોઈ ગેસ (LPG) અને નેચરલ ગેસ (PNG-CNG) પર નવો ચાર્જ અથવા ટેક્સ લગાવવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો આમ જનતાનું માસિક બજેટ વધી શકે છે અને મોંઘવારીમાં વધારો થઈ શકે છે. પરંતુ સરકાર સામાન્ય જનતા પાસેથી આ વધારાનો ચાર્જ શા માટે વસૂલવા માંગે છે? જાણો આ યોજના પાછળનું મુખ્ય કારણ.
રોયટર્સનો દાવો: $42 અબજનો ફ્યુઅલ સ્ટોરેજ પ્લાન
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર દેશમાં એક વિશાળ ‘ફ્યુઅલ સ્ટોરેજ સ્કીમ’ (ઈંધણ અનામત યોજના) શરૂ કરવા માટે આગામી એક દાયકામાં આશરે 42 અબજ ડોલર (લગભગ ₹3.99 લાખ કરોડ) એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે.
આ રકમનો ઉપયોગ દેશમાં LPG અને નેચરલ ગેસનો કટોકટીના સમય માટે ઈમરજન્સી સ્ટોક (વ્યૂહાત્મક અનામત) ઊભો કરવા માટે કરવામાં આવશે. જોકે, હજુ સુધી આ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
દરેક LPG સિલિન્ડર પર કેટલો ટેક્સ લાગશે?
અહેવાલો અનુસાર, પેટ્રોલીયમ મંત્રાલય દ્વારા નીચે મુજબના ચાર્જિસ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે:
-
LPG સિલિન્ડર: રાંધણ ગેસ પર પ્રતિ કિલો ₹1.29 નો ચાર્જ લગાવવાનો પ્રસ્તાવ છે. આ હિસાબે 14.2 કિલોના સ્ટાન્ડર્ડ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં આશરે ₹18 નો વધારો થઈ શકે છે. આનાથી વાર્ષિક 460 મિલિયન ડોલર એકત્રિત કરવાનો અંદાજ છે.
-
નેચરલ ગેસ (PNG/CNG): નેચરલ ગેસ પર પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ₹1.43 નો ચાર્જ પ્રસ્તાવિત છે, જેનાથી વાર્ષિક આશરે 1 અબજ ડોલર મળશે.
-
બંને ચાર્જ મળીને ઈંધણ સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે દર વર્ષે આશરે 1.5 અબજ ડોલર એકત્રિત કરવામાં આવશે. આ ટેક્સના કારણે ઘરેલુ ગેસ બિલમાં આશરે ૨% નો વધારો થઈ શકે છે.
શા માટે ઇમરજન્સી સ્ટોક બનાવવાની જરૂર પડી?
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90% ક્રૂડ ઓઈલ અને મોટો જથ્થો ગેસ વિદેશથી આયાત કરે છે. મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધ તથા હોર્મુઝની સમુદ્રધુની (Strait of Hormuz) માં ઊભી થયેલી અસ્થિરતાને કારણે ભારતના ઊર્જા પુરવઠા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય સંકટમાંથી પાઠ શીખીને સરકારે હવે ક્રૂડ ઓઈલ ઉપરાંત દેશમાં રસોઈ ગેસ (LPG) અને નેચરલ ગેસનો પણ બહુમોટો અનામત જથ્થો (સ્ટ્રેટેજિક રિઝર્વ) રાખવાનો નિર્ણય કર્યો છે:
-
ક્રૂડ ઓઈલ સ્ટોરેજ: કાચા તેલના ભંડાર બનાવવાનો ખર્ચ કેન્દ્ર સરકાર પોતાના સરકારી ખજાનામાંથી ભોગવશે.
-
LPG અને નેચરલ ગેસ સ્ટોરેજ: ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટોક ઊભો કરવાનો ખર્ચ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલીને કરવામાં આવશે.
કેબિનેટની મંજૂરી બાકી
સરકારનો અંદાજ છે કે, આગામી 10 વર્ષમાં દેશને વધારાની ૨૮ મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ, 9 મિલિયન ટન LNG અને 4 મિલિયન ટન LPG સ્ટોરેજ ક્ષમતાની જરૂર પડશે. હાલમાં આ પ્રસ્તાવ વિવિધ મંત્રાલયો વચ્ચે વિચારાધીન છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ દ્વારા તેને આખરી મંજૂરી મળવાની બાકી છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધારે હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતા પહેલા એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ, humdekhenge.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
આ પણ વાંચોઃ કોર્ટની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરી શકશે ન્યૂઝ મીડિયા, પરંતુ ઓડિયો-વીડિયો ક્લિપના ઉપયોગ પર પ્રતિબંધ: સુપ્રીમ
આ પણ વાંચોઃ ‘ઘર ચલાવવું મુશ્કેલ છે’, CNG ભાવવધારા સામે રિક્ષાચાલકોનો આક્રોશ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












