ગોરખપુર હત્યાકાંડઃ આખેઆખી પોલીસ ચોકી સસ્પેન્ડ, તસ્કરોએ NEET વિદ્યાર્થીનો લીધો હતો જીવ

ઉત્તર પ્રદેશઃ 16 સપ્ટેમ્બર, 2025: UP Gorakhpur Murder Case: ગોરખપુર જિલ્લામાં પશુ તસ્કરો દ્વારા 19 વર્ષીય દીપકની હત્યાનો મામલો એક મોટો મુદ્દો બની ગયો છે. આ ઘટનામાં ગંભીર બેદરકારી જણાતા, એસએસપી ગોરખપુર રાજ કરણ નૈયરે કડક કાર્યવાહી કરી છે અને પિપરાઇચ પોલીસ સ્ટેશન વિસ્તારની જંગલ દુષણ ચોકી પર તૈનાત તમામ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
શું હતી ઘટના?
હકીકતમાં, સોમવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ, પશુ તસ્કરો ત્રણ વાહનો સાથે પિપરાઇચના જંગલધુસર ગામમાં પહોંચ્યા અને બાંધેલા પશુઓને છોડવાનું શરૂ કર્યું. વાહનો અને પશુઓની અવરજવરથી ગામલોકો જાગી ગયા અને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. આ દરમિયાન, NEET ની તૈયારી કરી રહેલો 19 વર્ષીય દીપક પણ અવાજ સાંભળીને બહાર આવ્યો અને ગ્રામજનો સાથે તસ્કરોનો પીછો કરવાનું શરૂ કર્યું.
4 કિ.મી દૂરથી મળ્યો મૃતદેહ
ભાગતી વખતે, તસ્કરોનું એક વાહન કાદવમાં ફસાઈ ગયું, જેના કારણે તે અને ગ્રામજનો સસામસામે આવી ગયા. બંને બાજુથી પથ્થરમારો શરૂ થયો અને અંધાધૂંધી વચ્ચે, તસ્કરોએ દીપકને બળજબરીથી પોતાના વાહનમાં બેસાડી દીધો. થોડા કલાકો પછી, ગામથી લગભગ 4 કિલોમીટર દૂર સરૈયા ગામમાં તેનો મૃતદેહ મળી આવ્યો.
ઘટના બાદ ગામમાં તણાવ ફેલાયો હતો અને આખુ ગામ રોષે ભરાયું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એસએસપીએ જણાવ્યું હતું કે, યુવકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ ગોળી વાગવાના કોઈ પુરાવા નથી. આ કેસની તપાસ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે અને આરોપીઓને ટૂંક સમયમાં ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે.
ગ્રામજનોનો આરોપ
ગ્રામજનોનો આરોપ છે કે, પોલીસની બેદરકારીને કારણે તસ્કરો નિર્ભય છે. જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ ઉભી ન થાત. ઘણા ગ્રામજનોનું કહેવું છે કે તસ્કરો લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય છે અને વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. દીપકના મૃત્યુથી આ ગુસ્સામાં વધુ વધારો થયો છે. હવે ગ્રામજનો ઇચ્છે છે કે તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમને કડક સજા આપવામાં આવે.
આ પણ વાંચોઃ 50 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષ બાદ આવ્યો ચુકાદો, સુપ્રીમ કોર્ટે આરોપીને આપી મુક્તિ
આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે 15 લોકોના મૃત્યુ, એકલા દહેરાદૂનમાં જ 13 લોકોએ ગુમાવ્યો જીવ












