ટ્રેન્ડિંગનેશનલ

ગાઝિયાબાદમાં હૃદયદ્રાવક ઘટના: સરકારી નોકરી મળ્યા બાદ યુવકે કરી આત્મહત્યા, ગુગલ પર સર્ચ કર્યું અને…

ઉત્તર પ્રદેશઃ 1 ફેબ્રુઆરી, 2026: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યુવકની હાલમાં જ સરકારી નોકરી લાગી હતી અને તેના પિતા પણ સરકારી સેવામાં છે. ઘરમાં કોઈ પણ વાતની કમી નહોતી, તેમ છતાં યુવકે આટલું મોટું પગલું ભરી લીધું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેણે મરતા પહેલા મોબાઈલ પર આત્મહત્યા કરવાની એવી રીતો સર્ચ કરી હતી, જેનાથી એક મિનિટમાં જ મોત થઈ જાય.

આ દુખદ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી, પરંતુ મૃતદેહ રવિવારે સવારે મળી આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ 25 વર્ષીય મધુર યાદવ તરીકે થઈ છે. મધુરની થોડા દિવસો પહેલા જ રાજસ્થાનની કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે પસંદગી થઈ હતી અને ટૂંક સમયમાં જ તે જોઈનિંગ પણ કરવાનો હતો. મધુરના પિતા જિતેન્દ્ર યાદવ ગાઝિયાબાદના મોદીનગરમાં સિંચાઈ વિભાગમાં ફરજ બજાવે છે.

મોબાઈલ પર સર્ચ કર્યું…

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મધુર શનિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યો હતો અને એક નિર્જન વિસ્તારમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે સૌથી પહેલા પોતાના મોબાઈલ પર સર્ચ કર્યું અને ત્યારબાદ તેણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક રાહદારીએ મધુરને સળગતો જોઈ પોલીસને જાણ કરી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ 80 ટકા દાઝી જવાને કારણે તેનું મોત થયું હતું.

પિતાએ લગાવ્યો હત્યાનો આરોપ

બીજી તરફ, મધુરના પિતા જિતેન્દ્ર યાદવે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમનો પુત્ર આત્મહત્યા ન કરી શકે, કોઈએ તેને જીવતો સળગાવીને તેની હત્યા કરી છે. તેમણે જણાવ્યું કે, “મધુર કોઈ વાતને લઈને પરેશાન નહોતો, જો એવું હોત તો તે અમને ચોક્કસ કહેતો. સાંજે 7 વાગ્યે તેણે મને ફોન પર કહ્યું હતું કે હું ગોવિંદપુરી આવ્યો છું અને થોડી વારમાં પાછો આવીશ. પરંતુ ત્યારબાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો અને રાત્રે તેના જ ફોન પરથી કોઈએ માહિતી આપી કે તમારા છોકરાને સળગાવી દેવામાં આવ્યો છે.”

પોલીસ હાલમાં આત્મહત્યા અને હત્યા એમ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડી તપાસ કરી રહી છે.

 

Back to top button