
Gandhinagar Breaking News: ગાંધીનગરના સેક્ટર-1 વિસ્તારમાં આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસમાં રવિવારે સવારે એક ગંભીર ઘટના સામે આવી છે. ફરજ દરમિયાન કોસ્ટ ગાર્ડના એક જવાને પોતાની સર્વિસ રાઈફલથી ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સંભળાતા ઓફિસ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા જવાનને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.
43 વર્ષીય હસમુખ પ્રજાપતિ ફરજ પર હતા
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘાયલ જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. તેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના રહેવાસી છે અને સેક્ટર-1માં ગાયત્રી મંદિર નજીક આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસમાં સુરક્ષા ફરજ બજાવતા હતા. રવિવારે સવારે નિયમિત ફરજ દરમિયાન જ તેમણે અચાનક આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
ગોળીબાર બાદ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર
ઘટના બનતા જ સહકર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં જવાનને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસ અને FSLની ટીમે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ સેક્ટર પોલીસ, ઉચ્ચ અધિકારીઓ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાક્રમની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હથિયાર સહિત અન્ય મુદ્દાઓની પણ તપાસ હાથ ધરી છે.
પરિવાર અને સહકર્મચારીઓની પૂછપરછ
પોલીસે ઘટનાની જાણ જવાનના પરિવારજનોને કરી છે. સાથે જ તેમના સહકર્મચારીઓ અને નજીકના લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. જવાને આ પ્રકારનું આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ જાણી શકાશે.
PIએ શું કહ્યું?
સેક્ટર-7 પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હસમુખ પ્રજાપતિએ પોતાની સર્વિસ રાઈફલથી ગળાના ભાગે ફાયરિંગ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાથી સમગ્ર મામલે તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પેટમાં દુખાવાનું કારણ જાણીને ડોક્ટરો પણ ચોંક્યા, યુવતીના પેટમાં મળ્યો વાળનો ઢગલો












