વોશરૂમમાં બે વાર બેભાન થઈ ગયા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, AIIMS માં દાખલ

Jagdeep Dhankhar: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને અચાનક દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને ગયા અઠવાડિયે બે વાર બેભાન થયા બાદ સોમવારે દિલ્હી સ્થિત AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો MRI કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ધનખર 10 જાન્યુઆરીએ વોશરૂમમાં બે વાર બેભાન થઈ ગયા હતા. તેમને આજે AIIMSમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને વધુ તપાસ માટે દાખલ કરવાની સલાહ આપી હતી.
ધનખર અગાઉ પણ ઘણી વખત બેભાન થઈ ચૂક્યા છે, જેમાં કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ અને દિલ્હીનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે 21 જુલાઈના રોજ સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું.
21 જુલાઈએ રાજીનામું આપ્યું હતુ
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025 ના રોજ શરૂ થયું હતુ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે દિવસ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી અધ્યક્ષ તરીકે સંભાળી હતી. તેમનું રાજીનામું તે રાત્રે ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર X એકાઉન્ટ પર મળ્યુ હતું. તેમણે રાજીનામામાં સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે વિપક્ષ અને ઘણા રાજકીય વિશ્લેષકોએ તેમના અચાનક રાજીનામા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આની પાછળ સ્વાસ્થ્ય નહીં પણ કોઈ બીજું કારણ લાગે છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો, TMC સાંસદોએ લગાવ્યો છે ગડબડીનો આરોપ












