FIFA World Cup

કોણ છે કેપ વર્ડેના ડુઆર્ટે બંધુઓ? જેમણે આર્જેન્ટિનાને પરસેવો વાળી દીધો

Argentina vs Cape Verde World Cup 2026: શનિવારે (4 જુલાઈ) ફિફા વર્લ્ડ કપ 2026 ના રોમાંચક મુકાબલામાં કેપ વર્ડેની ટીમ ઇતિહાસ રચવાની સુવર્ણ તક ગુમાવી બેઠી, જ્યારે વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાની ટીમ મોટી મુશ્કેલીમાંથી બચી ગઈ હતી. આર્જેન્ટિનાએ કેપ વર્ડેને હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં (રાઉન્ડ ઓફ 16) સ્થાન મેળવી લીધું છે, જ્યાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે તેનો સામનો હવે ઇજિપ્ત સામે થશે. આ હાર છતાં, આ મેચ કેપ વર્ડેના ડુઆર્ટે પરિવાર માટે હંમેશા યાદગાર રહેશે, કારણ કે બે સગા ભાઈઓ વર્લ્ડ કપની ઐતિહાસિક મેચમાં એકસાથે મેદાન પર ઉતર્યા હતા.

મિડફિલ્ડમાં સાથે રમ્યા લારોસ અને ડેરોય ડુઆર્ટે

મિયામીમાં રમાયેલી આ પ્રતિષ્ઠિત મેચમાં કેપ વર્ડેના કોચ બુબિસ્ટાએ એક મોટો નિર્ણય લેતા લારોસ ડુઆર્ટે અને ડેરોય ડુઆર્ટે બંને ભાઈઓને આર્જેન્ટિના સામેની સ્ટાર્ટિંગ ઇલેવનમાં મિડફિલ્ડ સંભાળવાની તક આપી હતી. અગાઉની ગ્રુપ મેચોમાં તેઓ સબસ્ટિટ્યુટ તરીકે રમ્યા હતા. ડેરોયે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને મેચના લગભગ 1 કલાક પછી શાનદાર ગોલ કરીને કેપ વર્ડેને 1-1 ની બરાબરી અપાવી હતી. જો કે, બંને ભાઈઓ અંત સુધી મેદાન પર રહી શક્યા નહોતા. લારોસને 67મી મિનિટે મેદાનમાંથી બહાર કરાયો હતો, જ્યારે ડેરોય 100મી મિનિટે સબસ્ટિટ્યુટ થયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આત્મઘાતી ગોલ બન્યો ટર્નિંગ પોઇન્ટ

મેચ અત્યંત રોમાંચક વળાંકોથી ભરેલી રહી હતી. આર્જેન્ટિનાના લિસાન્ડ્રો માર્ટિનેઝે ગોલ કરીને ટીમને બીજી વખત આગળ કરી, પરંતુ કેપ વર્ડેના મેનેજરે યાનિક સેમેડો અને સિડની લોપેસ કેબ્રાલને મેદાન પર ઉતાર્યા, જેમણે શાનદાર પ્રદર્શન કરીને સ્કોર 2-2 ની બરાબરી પર લાવી દીધો હતો. ડુઆર્ટે ભાઈઓને લાગ્યું કે કદાચ આજે તેઓ જીત મેળવી લેશે, પરંતુ અંતે ભાગ્ય આર્જેન્ટિનાની સાથે હતું. કેપ વર્ડેના ડિફેન્ડર ડિની બોર્જેસ દ્વારા થયેલા એક આત્મઘાતી ગોલના કારણે લિયોનેલ મેસ્સીની ટીમને જીત મળી ગઈ હતી.

રોટરડેમથી વર્લ્ડ કપ સુધીની સફર

નેધરલેન્ડ્સના રોટરડેમમાં જન્મેલા અને માતા મારિયા દા ક્રુઝ દ્વારા ઉછેરવામાં આવેલા આ બંને ભાઈઓએ યુવા સ્તરે નેધરલેન્ડ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પિતા મારિયો મીકા ડુઆર્ટે પણ ભૂતપૂર્વ ફૂટબોલર છે. રાઉન્ડ ઓફ 32 ની આ મેચ જોવા માટે તેમની માતા ખાસ યુએસ આવી હતી. અગાઉ સાઉદી અરેબિયા સામેની મેચમાં ડેરોયને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો, જ્યારે લારોસ છેલ્લી મિનિટે સાઉદી ગોલકીપર મોહમ્મદ અલ-ઓવૈસના કારણે ગોલ કરવાનું ચૂકી ગયો હતો. માતા મારિયાએ ભાવુક થઈને જણાવ્યું કે, બંને પુત્રોને વિશ્વના સૌથી મોટા મંચ પર સાથે રમતા જોવા તે એક સપના સમાન હતું.

આ પણ વાંચો: FIFA વર્લ્ડ કપની સૌથી ભાવુક ક્ષણ! પિતાને રડતા જોઈ પુત્ર પણ રડી પડ્યો, વીડિયો થયો વાયરલ

Back to top button