અરવલ્લીના મેઘરજમાં યુરિયા ખાતર માટે ખેડૂતોનો આક્રોશ ગોદામના તાળા તોડી કર્યો હોબાળો

અરવલ્લી, 25 નવેમ્બર 2025: અરવલ્લી જિલ્લામાં રવિ પાકની વાવણીની મોસમમાં યુરિયા ખાતરની તીવ્ર અછત વચ્ચે મેઘરજ તાલુકામાં ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો. મંગળવારે સવારે મેઘરજ કૃષિ ઉપજ વેચાણ સંઘના ગોડાઉન પર પહોંચેલા સેંકડો ખેડૂતોએ ‘આજે રજા’નું બોર્ડ જોઈને આક્રોશ વ્યક્ત કર્યો અને ગોડાઉનના તાળા તોડી નાખ્યા.
છેલ્લા ૨૦ દિવસથી ખેડૂતો દરરોજ સવારથી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ દરરોજ ‘ખાતર ખતમ’ના જવાબ મળતા હોવાથી ગુસ્સો વધતો જતો હતો. આજે ગોડાઉનમાં ઘૂસેલા ખેડૂતોએ અંદર યુરિયાની સેંકડો બેગો જોઈ તો બ્લેકમાં વેચાણના આરોપો કર્યા. ખેડૂતોએ દાવો કર્યો કે, ‘અમને નથી મળતું ખાતર, પણ બ્લેકમાં ૯૦૦-૧૦૦૦ રૂપિયે વેચાઈ રહ્યું છે.’
ઘટના સ્થળે ૫૦૦થી વધુ ખેડૂતો એકઠા થઈ ગયા હતા. તેમણે ‘ખાતર આપો, નહીં તો ગોડાઉન બંધ કરીશું’ના નારા લગાવ્યા. મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિ નિયંત્રણમાં લીધી. સંઘના મેનેજરે ખેડૂતોને સમજાવતાં કહ્યું કે, ‘અત્યારે જે સ્ટોક છે તે વહેંચી દઈએ છીએ અને બે ટ્રક ખાતર આજે સાંજ સુધીમાં આવી જશે.’
આ પછી ખેડૂતોએ ગોડાઉન ખોલાવી દીધું અને ઝડપથી ખાતરનું વેચાણ શરૂ કરવામાં આવ્યું. જોકે, ખેડૂતોની ફરિયાદ છે કે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે અને ખાતરનું વિતરણ પારદર્શક બનાવવું જરૂરી છે. મામલતદારે પણ ખાતર વિતરણની તપાસ કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો: સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રહસ્યમય હુમલો, ત્રણથી વધુ કારના કાચ ફોડ્યા











