ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાનો શરમજનક પરાજય: ઈંગ્લેન્ડે 4-0 થી શ્રેણી જીતી વ્હાઇટવોશ કર્યો

IND vs ENG 5th T20I Result: ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમનો T20I શ્રેણીમાં કારમો પરાજય થયો છે. શ્રેણી પહેલાથી જ ગુમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા માટે અંતિમ મેચ માત્ર સન્માન બચાવવાની લડાઈ હતી, પરંતુ તેમાં પણ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ મેચમાં હેરી બ્રુકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમે ભારતને 56 રનથી હરાવીને 4-0 થી ક્લીન સ્વીપ પૂર્ણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ હતી. આ શાનદાર વિજય સાથે જ ઈંગ્લેન્ડે ભારત પાસેથી T20I રેન્કિંગમાં નંબર 1 નું સ્થાન પણ આંચકી લીધું છે. આ સમગ્ર પ્રવાસમાં ભારતે રમેલી 7 માંથી 6 T20 મેચો ગુમાવવી પડી છે.

ટ્રાફિક જામના કારણે ટોસ મોડો પડ્યો

મેચની શરૂઆત પહેલા જ ભારતીય ટીમ માટે પરિસ્થિતિ નકારાત્મક બની હતી. ટીમ ઈન્ડિયાની બસ સાઉથમ્પ્ટનના ભારે ટ્રાફિકમાં ફસાઈ જતાં ખેલાડીઓ સમયસર સ્ટેડિયમ પહોંચી શક્યા ન હતા. આ કારણે ટોસ 45 મિનિટ મોડો થયો હતો અને મેચ નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડી, સાંજે 7:30 વાગ્યે શરૂ થઈ હતી. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પ્રવાસની પરંપરા મુજબ સતત વધુ એક વખત ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય ટીમ માટે આત્મઘાતી સાબિત થયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બટલર અને બ્રુકની વિસ્ફોટક બેટિંગ

ઈંગ્લેન્ડે માત્ર બીજી ઓવરમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય બોલરો લાચાર દેખાયા હતા. અત્યાર સુધી આઉટ ઓફ ફોર્મ રહેલા ઓપનર જોસ બટલરે રૂદ્ર સ્વરૂપ ધારણ કરીને માત્ર 51 બોલમાં સદી ફટકારી હતી. તેણે કેપ્ટન હેરી બ્રુક સાથે મળીને 233 રનની ઐતિહાસિક અને વિશ્વ રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. બટલરે 64 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 131 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બીજી તરફ હેરી બ્રુકે પણ આક્રમક બેટિંગ કરતા 45 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે અણનમ 95 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડે 3 વિકેટના નુકસાને 257 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે ભારત સામેનો સર્વોચ્ચ સ્કોર છે. આ દરમિયાન ભારતીય ફિલ્ડરોએ 3 કેચ છોડ્યા હતા, જેમાં શિવમ દુબેએ બ્રુકને માત્ર 3 રનના વ્યક્તિગત સ્કોર પર જીવનદાન આપ્યું હતું.

કિશન અને તિલકની ફિફ્ટી એળે ગઈ

ભારે દબાણ હેઠળ 258 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વૈભવ સૂર્યવંશીના સ્થાને ટીમમાં પરત ફરેલા સંજુ સેમસન માત્ર 27 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે અભિષેક શર્મા માત્ર 3 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. સમગ્ર પ્રવાસમાં ફ્લોપ રહેલા ઈશાન કિશને 58 રન અને વાઇસ-કેપ્ટન તિલક વર્માએ માત્ર 24 બોલમાં 53 રનની આક્રમક ઇનિંગ રમીને લડત આપી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે પણ 28 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ રન રેટનું દબાણ વધતાં નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી. અંતે ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી હતી અને મેચની સાથે શ્રેણી પણ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો: “15 વર્ષના છોકરા માટે યોગ્ય નથી…” વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરાતા સુનીલ ગાવસ્કર રોષે ભરાયા

Back to top button