બ્રિક્સ બેઠકમાં પશ્ચિમ એશિયા મુદ્દે મતભેદ: વારંવાર ઈઝરાયેલનું નામ આવ્યું

BRICS meeting: ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી BRICS દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે સભ્ય દેશો વચ્ચે ગંભીર મતભેદ સામે આવ્યા હતા. આ મતભેદોના કારણે બેઠક બાદ સંયુક્ત નિવેદન જાહેર થઈ શક્યું નહોતું. ત્યારબાદ અધ્યક્ષ દેશ તરફથી 63 મુદ્દાઓનું વિશાળ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.
ઈઝરાયેલ મુદ્દે સહમતિ ન બની
માહિતી મુજબ ઈરાનએ બેઠક દરમિયાન માંગ કરી હતી કે BRICS મંચ પરથી અમેરિકા અને ઈઝરાયેલના હુમલાની નિંદા કરવામાં આવે. ઈરાને BRICSના સભ્ય દેશ સંયુક્ત આરબ અમીરાત પર પણ અમેરિકાને સહયોગ આપવાનો આરોપ મૂક્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે સભ્ય દેશો વચ્ચે સહમતિ ન બનતા સંયુક્ત નિવેદન જાહેર થઈ શક્યું નહોતું. બાદમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ આ માટે આડકતરી રીતે UAEને જવાબદાર ઠેરવ્યું હતું.
બે મુખ્ય મુદ્દાઓ પર વિવાદ
સૂત્રોના જણાવ્યા અનુસાર મતભેદના મુખ્ય બે મુદ્દા હતા. પ્રથમ મુદ્દો આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં અવરજવર અને વેપારની સુરક્ષિત તથા નિરાંતે અવરજવરનો હતો, જ્યારે બીજો મુદ્દો પેલેસ્ટાઇન સંબંધિત હતો.
અધ્યક્ષ દેશ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે પશ્ચિમ એશિયાની સ્થિતિને લઈને BRICS દેશોના અલગ-અલગ મત હતા. તમામ દેશોએ પોતાના રાષ્ટ્રીય અભિપ્રાયો રજૂ કર્યા અને વિવિધ દૃષ્ટિકોણ વહેંચ્યા હતા.
પેલેસ્ટાઇન માટે મજબૂત સમર્થન
જાહેર કરાયેલા નિવેદનમાં 1967ની સીમાઓ હેઠળ સંપૂર્ણ સ્વતંત્ર પેલેસ્ટાઇનને સમર્થન આપવામાં આવ્યું હતું. તેમાં ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકને પેલેસ્ટાઇનનો ભાગ માનવાની વાત પણ સામેલ હતી. સાથે જ સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને સંપૂર્ણ સભ્યપદ આપવાની માંગ પણ કરવામાં આવી હતી.
નિવેદનમાં ગાઝા પટ્ટીમાં માનવીય સહાયતા અવરોધ વિના પહોંચે તે સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદાના વિરોધમાં લાગુ કરાયેલા એકતરફી આર્થિક પ્રતિબંધોની નિંદા પણ કરવામાં આવી હતી.
BRICS દેશોએ વૈશ્વિક માનવીય સંકટો સામે લડવા બહુપક્ષીય સહયોગ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : વિદેશ પ્રવાસ પર ટેક્સ નહીં લાગે, PM મોદીએ અફવાઓ ફગાવી: કહ્યું- “આ સરાસર ખોટી વાત છે”












