ગંગોત્રી-યમુનોત્રીના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ, ક્યારે ખુલશે કેદારનાથ-બદ્રીનાથના દર્શન?

- ગંગોત્રી ધામ અને યમુનોત્રીના દરવાજા 30 એપ્રિલે ખુલી ગયા છે. ગંગોત્રી ધામ અને યમુનોત્રીના દર્શન માટે ભક્તોનો ધસારો ઉમટ્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રા બુધવાર (30 એપ્રિલ)થી શરૂ થઈ છે. 6 નવેમ્બર સુધી ચાલનારી આ યાત્રા માટે 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હાલમાં ઓફલાઈન રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ વખતે ભક્તોની સંખ્યા 60 લાખથી વધુ થવાની ધારણા છે. ગંગોત્રી ધામ અને યમુનોત્રી Gangotri-Yamunotriના દરવાજા 30 એપ્રિલે ખુલી ગયા છે. ગંગોત્રી ધામ અને યમુનોત્રીના દર્શન માટે ભક્તોનો ધસારો ઉમટ્યો છે. કેદારનાથના દર્શન 2 મેના રોજ ખુલશે અને બદ્રીનાથ ધામ 4 મેના રોજ ખુલશે. આજે ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન ખુલી જતા ભક્તોની ભીડ જોવા મળી હતી.
યાત્રાનું સંપૂર્ણ કેલેન્ડર
ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન આજે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ખુલ્યા છે. ગંગોત્રી મંદિરના દરવાજા 22 ઓક્ટોબરે બંધ રહેશે. યમુનોત્રીના દરવાજા 23 ઓક્ટોબરે બંધ રહેશે. કેદારનાથના દર્શન 2 મેના રોજ સવારે 7:00 વાગ્યે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે. બદ્રીનાથના દર્શન 4 મેના રોજ સવારે 6.00 વાગ્યે ખુલશે, જે 6 નવેમ્બર 2025 ના રોજ બંધ થશે.

આ છે ઉત્તરાખંડના ચારધામ
દર વર્ષે ચારધામ યાત્રા માટે વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં ભક્તો કેદારનાથ, બદ્રીનાથ ધામ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લઈને ધન્યતાનો અનુભવ કરે છે. મુસાફરીને સરળ અને સલામત બનાવવા માટે, પરિવહન વિભાગે એક એડવાઈઝરી જારી કરી છે. તેમાં યાત્રા માર્ગ પર વાહન સંચાલન અને ડ્રાઈવરો માટેની એડવાઈઝરી પણ શામેલ છે.
એક મહિના માટે VIP દર્શન પર પ્રતિબંધ
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થયું છે. રજિસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે. સરકારી આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં 20 લાખ યાત્રાળુઓએ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી છે. આમાં કેદારનાથ માટે 7.48 લાખ, બદ્રીનાથ માટે 5.74 લાખ, યમુનોત્રી માટે 3 લાખ અને ગંગોત્રી માટે 3 લાખ રજિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ સરકારે યાત્રા પહેલા એક મહિના માટે VIP દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે.
ચારધામ યાત્રામાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
આ વખતે ચારધામ યાત્રામાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ યાત્રારૂટને બે સુપર ઝોન, સાત ઝોન અને ૨૬ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ સાથે યાત્રામાં એસપીથી લઈને પોલીસ ઈન્સ્પેક્ટરની રેન્ક સુધીના ઓફિસર્સને પણ તહેનાત કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ પોલીસ ઉપરાંત પીએસસી, ફાયર બ્રિગેડ, એસડીઆરએફ, હોમગાર્ડ અને પીઆરડીના લગભગ ૮૫૦ કર્મચારીઓને પણ ફરજ સોંપવામાં આવી છે. ચારધામ યાત્રા જેમ જેમ આગળ વધશે તેમ તેમ વધારાના પોલીસ ફોર્સ અને સુરક્ષાદળોને તહેનાત કરવાની પણ યોજના છે.
આ પણ વાંચોઃ ઈઝરાયલનો પાકિસ્તાનને ઝાટકો, ફેક પ્રોપેગેંડાનો આપ્યો જડબાતોડ જવાબ












