માંસાહારથી ધાર્મિક લાગણી દુભાય છે, તો જ્યાં બનતું હોય એવી રેસ્ટોરન્ટથી કેમ મંગાવ્યું ભોજન?: કોર્ટે લગાવી ફટકાર

મુંબઈ, 10 જૂન, 2025: Consumer Court: ‘જો માંસાહાર ભોજન ખાવાથી તમારી ધાર્મિક લાગણીઓ દુભાય છે તો એવી રેસ્ટોરન્ટથી ઓર્ડર કેમ કરો છો, જે નોનવેજ બનાવે છે? એવી પણ રેસ્ટોરન્ટનો વિકલ્પ હંમેશા ઉપલબ્ધ હોય છે, જ્યાં ફક્ત શાકાહારી ભોજન મળતુ હોય.’ મુંબઈ સ્થિત ગ્રાહક અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. હકીકતમાં ગ્રાહકે કોર્ટમાં અરજી કરી હતી કે, રેસ્ટોરન્ટના કારણે મારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. તેણે કોર્ટમાં કહ્યું કે, રેસ્ટોરન્ટ તરફથી મને નોનવેજ ભોજન આવામાં આવ્યું હતું, જોકે હું શાકાહારી છું. આ ભોજનના કારણે મારી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. જેના પર કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, જો કોઈ શુદ્ધ શાકાહારી છે અને માંસાહારથી તેમની ધાર્મિક લાગણી દુભાતી હોય તો તેમણે પોતે જ સાવધાની રાખવી જોઈએ.
તમારે પોતે જ સાવધાની રાખવી જોઈએઃ કોર્ટ
કોર્ટે કહ્યું કે, ‘તમારે પોતે જ સાવધાની રાખવી જોઈએ. એવી રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર ન કરવો જોઈએ, જે શાકાહાર અને માંસાહાર બંને પરોસતી હોય. જિલ્લા ગ્રાહક કોર્ટે કહ્યું કે, કોઈપણ સામાન્ય વ્યક્તિ વેજ અને નોનવેજ ફૂડની ઓળખ ખાતા પહેલાં જ કરી શકે છે.’ હકીકતમાં બે લોકોએ એવી ફરિયાદ કરી હતી કે, રેસ્ટોરન્ટે ખોટી રીતે તેમને માંસાહાર પિરસ્યું હતું. કારણ કે, તેઓ શુદ્ધ શાકાહારી છે. આવું કરીને રેસ્ટોરન્ટે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
માંસાહાર ભોજન પીરસવામાં આવ્યું
અરજદારે પોતાની અરજીમાં કહ્યું કે, ‘અમે વાઉ મોમોઝ રેસ્ટોરન્ટથી દાર્જિલિંગ મોમો કોમ્બો ઓર્ડર કર્યા હતા. અમે ઓર્ડરના સમયે બે વાર સ્પષ્ટ કર્યું હતું કે, અમે શાકાહારી છીએ. તેમ છતાં જે ડિશ પરોસવામાં આવે તે ચિકન દાર્જિલિંગ મોમોસ હતી. જે એક માંસાહારી ખોરાક છે. રેસ્ટોરન્ટના સ્ટાફે અમારી વાતને અવગણી અને મનમાની રીતે નોનવેજ ડિશ પરોસી દીધી. રેસ્ટોરન્ટમાં પણ સ્પષ્ટ રૂપે નહતું લખ્યું કે, આમાંથી કઈ વાનગી વેજ છે અને કઈ નોનવેજ. આનાથી અમને માનસિક ત્રાસ થયો છે અને અમારી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.’ નોંધનીય છે કે, અરજદારોએ વળતર રૂપે 6 લાખ રૂપિયાની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ લોધીકાના પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક અને ટ્રસ્ટી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચોઃ કેયરટેકરના અવસાનથી ભાવુક થયો વાંદરો, જુઓ આ વાયરલ વીડિયો












