ટ્રેન્ડિંગનેશનલ

દેશની સેવા કરવાની ઉત્તમ તકઃ CISFમાં થશે બમ્પર ભરતી, જાણો કેવી રીતે એપ્લાય કરશો?

નવી દિલ્હીઃ 4 ઓગસ્ટ, 2025: CISF Job Vacancy: કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી પાંચ વર્ષમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)માં 58,000 નવા સૈનિકોની ભરતીને લીલી ઝંડી આપી દીધી છે. આ નોકરીઓ સરકારી નોકરીનું સ્વપ્ન જોનારાઓ માટે ગેમ ચેન્જર બની શકે છે. ચાલો જાણીએ આ ભરતી વિશેની તમામ વિગતો.

રાષ્ટ્રપતિએ 22 જુલાઈ, 2025ના દિવસે CISFની મર્યાદાને 2 લાખથી વધારીને 2.2 લાખ કરવાની મંજૂરી આપી છે. હાલ, ફોર્સમાં 1.62 લાખ જવાન છે અને બાકીના 58,000ની જગ્યા ખાલી છે. દર વર્ષે આશરે 14,000 લોકોની ભરતી થશે. આ નવા જવાન એરપોર્ટ, બંદર, થર્મલ પાવર પ્લાન્ટ્સ, ન્યૂક્લિઅર સાઇટ્સ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટસ અને જમ્મુ-કાશ્મીરની જેલ જેવા ઠેકાણાએ તૈનાત કરાશે.

3000 જવાનોથી શરૂ થઈ હતી CISF

CISFની શરૂઆત 1969માં 3000 જવાનો સાથે થઈ હતી જે હવે 359 જગ્યાએ સુરક્ષા પૂરી પાડે છે. ગત વર્ષે તેને સંસદ ભવન, અયોધ્યા એરપોર્ટ, હજારીબાગને કોલ માઇનિંગ પ્રોજેક્ટ, પુણેનું ICMR-NIV, બક્સર અને એટાના થર્મલ પાવર પ્રોજેક્ટ્સ અને મંડીના બ્યાસ સતલજ લિંક પ્રોજેક્ટ જેવા 7 નવા ઠેકાણે મોકલવામાં આવ્યા હતા. આગામી 5 વર્ષમાં તેમાં હજુ વિસ્તાર થશે.આ ભરતી માત્ર સુરક્ષામાં વધારો નહીં કરે. પરંતુ માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં નોકરીઓ અને પ્રગતિ પણ લાવશે. તેથી જો તમે નોકરી શોધી રહ્યા છો તો આગામી ભરતીની રાહ જુઓ અને શારીરિક રીતે ફિટ રહો.

કોણ કરી શકશે એપ્લાઇ?

ભરતીનું હજુ સુધી સત્તાવાર જાહેરનામું સામે નથી આવ્યું,  પરંતુ CISF ભરતીમાં સામાન્ય રીતે 10 કે 12 પાસ યુવાનોને તક મળે છે. જે માટે તમારે શારીરિક કસોટી પાસ કરવી પડશે. તમારે તબીબી રીતે ફિટ હોવું જોઈએ અને લેખિત પરીક્ષા પણ આપવી પડશે. ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. SC/ST અને OBCને ઉંમરમાં થોડી છૂટ મળી શકે છે. જો તમે સ્વસ્થ છો, સખત મહેનત કરવા માંગો છો અને દેશની સુરક્ષામાં યોગદાન આપવા માંગો છો, તો આ તમારા માટે પરફેક્ટ છે.

આ પણ વાંચોઃ આ અઠવાડિયે થિયેટરોમાં રિલીઝ થશે આ સિરીઝ અને ફિલ્મો, નોંધી લો તારીખ

આ પણ વાંચોઃ જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલ થયો તત્પર: ગુજરાત હાઇકોર્ટમાં કરી જામીન અરજી

Back to top button