મહારાષ્ટ્ર: ચંદ્રપુરમાં કિડની રેકેટના માસ્ટર માઈન્ડની ધરપકડ, પોતાની જ કિડની વેચીને બન્યો ગુનેગાર

ચંદ્રપુર: દેવુ ચૂકવવા માટે ખેડૂતની કિડની વેચવાના બહુચર્ચિત કેસમાં SITને મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર જિલ્લામાં એક ખેડૂતે દેવું ચૂકવવા માટે પોતાની કિડની વેચી દીધી હતી. ચંદ્રપુર સ્થાનિક ગુના શાખાએ આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને એજન્ટ ડૉ. કૃષ્ણાની સોલાપુરથી ધરપકડ કરી છે.
પોતાની કિડની વેચીને બન્યો ગુનેગાર
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ડૉ. કૃષ્ણા તરીકે મશહુર આ આરોપીનું અસલી નામ મલ્લેશ છે. તે કોઈ ડૉક્ટર નથી, પરંતુ એક એન્જિનિયર છે જે નકલી ઓળખ આપીને લોકોને છેતરતો હતો. આરોપી મલ્લેશે શરૂઆતમાં પોતાની જ કિડની વેચી હતી, ત્યારબાદ તે આ ગેરકાયદેસર વેપારનો મુખ્ય એજન્ટ બની ગયો, અને અન્ય લોકોને તેમની કિડની વેચવા માટે ઉકસાવવા લાગ્યો. આ જ એજન્ટે ચંદ્રપુરના ખેડૂત રોશન કુડેને છેતરીને કંબોડિયા મોકલ્યો હતો, જ્યાં તેની કિડની કાઢવામાં આવી હતી.
આ ષડયંત્ર પાછળ કોણ-કોણ?
સોલાપુરમાં થયેલી આ ધરપકડથી પોલીસને એવા સંકેતો મળ્યા છે કે આ રેકેટના તાર રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓ સાથે જોડાયેલા હોઈ શકે છે. પોલીસને આશંકા છે કે આ ગેંગના ભોગ બનેલા લોકોની સંખ્યા ઘણી મોટી હોઈ શકે છે. ચંદ્રપુર પોલીસ હવે આ આંતરરાષ્ટ્રીય કિડની ટ્રાફિકિંગ ગેંગના અન્ય સભ્યો અને તેની પાછળ કામ કરવાવાળી મોટી હોસ્પિટલો અને ડોકટરોને શોધવા માટે મલ્લેશની પૂછપરછ કરી રહી છે.

શાહુકારોએ કિડની વેચવા માટે મજબુર કર્યો
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક ખેડૂત રોશન કુડેએ કહ્યું હતુ કે, 74 લાખનું દેવું ચૂકવવા માટે કેટલાક શાહુકારોએ તેને કિડની વેચવા માટે મજબુર કર્યો હતો. એજન્ટનો સંપર્ક કર્યા પછી, રોશન કોલકાતા ગયો. કોલકાતામાં એક ડૉક્ટર દ્વારા મેડિકલ તપાસ કર્યા પછી, કુડે કંબોડિયા ગયો, જ્યાં તેની કિડની કાઢી નાખવામાં આવી. કુડેએ પોલીસને જણાવ્યું કે તેને તેના બદલામાં 8 લાખ રૂપિયા મળ્યા હતા. 2021 માં, કુડેએ બે શાહુકારો પાસેથી 40% વ્યાજે 50,000 ઉધાર લીધા હતા. બાદમાં શાહુકારોએ કહ્યું કે વ્યાજ સાથે આ રકમ વધીને 74 લાખ થઈ ગઈ છે. આ મામલામાં બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી હતી અને 6 શાહુકારોની ધરપકડ કરી હતી. આ પછી, રાજ્યમાં કિડની રેકેટ પર કડક કાર્યવાહી શરૂ થઈ છે.
આ પણ વાંચો: તેની પત્ની અને માતાને છોડતા નહીં, પ્રેમી વિરુદ્ધ વીડિયો બનાવી મહિલાએ જીવ આપી દીધો












