લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ 8 લોકોના મોત અનેક ઘાયલ દિલ્હી બાદ ગુજરાત પણ એલર્ટ પર!

નવી દિલ્હી 10 નવેમ્બર 2025: સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટથી દિલ્હીમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આગ લાગવાથી અનેક વાહનો પણ નાશ પામ્યા છે. આ ઘટના બાદ, સમગ્ર શહેરમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘાયલોને લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
દિલ્હી ફાયર વિભાગને સાંજે વિસ્ફોટ અંગે ફોન આવ્યો. એક અધિકારીએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું, “અમને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં વિસ્ફોટ થયો હોવાનો ફોન આવ્યો. ત્યારબાદ ત્રણથી ચાર વાહનોમાં આગ લાગી ગઈ.” આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક સાત ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને અન્ય સુરક્ષા એજન્સીઓની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેટ્રો સ્ટેશન લાલ કિલ્લા અને અનેક સરકારી કચેરીઓની નજીક આવેલું છે, તેથી વિસ્ફોટથી લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. સદનસીબે, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવ્યો અને તેને મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વાર અને નજીકની દુકાનોમાં ફેલાતી અટકાવી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ફોરેન્સિક નિષ્ણાતો વિસ્ફોટનું કારણ નક્કી કરવા માટે તપાસ કરી રહ્યા છે.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું- આગ કાબુમાં આવી ગઈ છે
#WATCH | Delhi: Blast near Red Fort | Deputy Chief Fire Officer AK Malik says, “We got information that there was a blast in a car near Chandni Chowk Metro Station. We responded immediately, and seven units were sent to the spot. At 7:29 PM, the fire was brought under control.… pic.twitter.com/lhSAPPRP5m
— ANI (@ANI) November 10, 2025
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એક પાર્ક કરેલી કારમાં થયો હતો અને નજીકના વાહનોને ઘેરી લીધા હતા. અધિકારીઓ કોઈપણ શક્યતાને નકારી રહ્યા નથી અને દરેક ખૂણાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ, સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે, અને રાજધાનીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દુકાનદારે કહ્યું, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે હું ત્રણ વાર નીચે પડ્યો
#WATCH | Delhi: “I never heard such a loud explosion ever in my life. I fell three times due to the explosion. It felt as if we were all going to die…” said a local shopkeeper to ANI https://t.co/mNFJMPex0i pic.twitter.com/KQcbOYYNu6
— ANI (@ANI) November 10, 2025
મેટ્રો સ્ટેશન નજીક એક દુકાનદારે કહ્યું, “મેં મારા જીવનમાં આટલો જોરદાર વિસ્ફોટ ક્યારેય સાંભળ્યો નથી. વિસ્ફોટને કારણે હું ત્રણ વાર નીચે પડી ગયો. એવું લાગ્યું કે બધા મરી જઈશું.”
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ . મલિકે જણાવ્યું કે, દિલ્હીના હુમલા બાદ અમદાવાદ પણ હાઈ એલર્ટ પર છે. તમામ અધિકારીઓને પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે સૂચના આપવામાં આવી છે. શહેર પોલીસ એલર્ટ મોડ પર છે અને તમામ એજન્સીઓ સતર્ક છે.
આ પણ વાંચો: મહેસાણાના કડીના ભાવપુરામાં દીવાલ ધરાશાયી: એક શ્રમિકનું મોત, અનેક ઘાયલ












