શાસ્ત્રીનગર પાસે BRTS બસે રાહદારી અડફેટે લીધો, રોષે ભરાયેલા ટોળાએ બસના કાચ તોડ્યા

અમદાવાદ 19 ઓક્ટોબર 2025: શાસ્ત્રીનગર વિસ્તારમાં BRTS બસના બેફામ ડ્રાઇવિંગના કારણે વધુ એક અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ છે, જેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો. બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા રાહદારીને ઈજા પહોંચી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોનું ટોળું એકઠું થયું હતું અને તેમણે આક્રોશમાં આવીને BRTS બસના કાચ તોડી નાખ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ, શાસ્ત્રીનગર સર્કલ નજીક BRTS બસના ડ્રાઇવરે ગફલતભરી રીતે વાહન હંકારતા એક રાહદારીને ટક્કર મારી હતી. અકસ્માત બાદ રાહદારીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતને પગલે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. BRTS બસોના અવારનવાર થતા અકસ્માતો અને બેજવાબદાર ડ્રાઇવિંગથી કંટાળેલા ટોળાએ બસને ઘેરી વળી હતી અને તેમાં ભારે તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા લોકોએ બસના આગળના અને બાજુના કાચના તોડી નાખ્યા હતા.
ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને BRTS બસને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાહદારીને ટક્કર મારનાર બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
નોંધનીય છે કે અમદાવાદમાં BRTS બસ દ્વારા અકસ્માતની ઘટનાઓ સતત વધતી રહી છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના ફરી એકવાર BRTS તંત્રની બેદરકારી છતી કરે છે અને શહેરી પરિવહનમાં સુરક્ષાનાં પગલાં વધુ મજબૂત કરવાની તાતી જરૂરિયાત દર્શાવે છે.
આ પણ વાંચો: ‘દંગલ’ની નાનકડી ગીતાએ છાનામાના કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા પર ફોટો વાઈરલ થતા ફેન્સ થયા નારાજ












