ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Accident: બોટાદના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર અકસ્માત, 3નાં મૃત્યુ

બોટાદ, તા. 29 સપ્ટેમ્બર, 2025: બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામ તરફના માર્ગ પર આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલી આ ભયંકર ટક્કરમાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓ રાણપુર તાલુકાના ઉમરાળા ગામના રહેવાસી હતા.

મૃતકોના નામવલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ (તમામ રહે. ઉમરાળા, તા. રાણપુર) હતા. પાળીયાદના મેડિકલ ઓફિસર ડો. જયદેવે આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “પાળીયાદ-સાકરડી રોડ પર બે વાહન અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૨૫થી ૩૦ જેટલા લોકો ઘાયલ થતાં તેમને અહીં (પાળીયાદ) લાવવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા વધુ હોવાથી અમે પાંચથી છ જેટલા ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક બોટાદ રિફર કર્યા છે, જ્યારે બાકીના ઘાયલોની સારવાર અહીં ચાલુ છે.”

મૃતક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલના ભાઈ જેસાભાઈ ધીરુભાઈ ગોહિલે જણાવ્યું કે, તેમને આ ઘટના વિશે આશરે દોઢ વાગ્યે ખબર પડી. તેમણે પુષ્ટિ કરી કે અકસ્માતમાં ૩ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં છે અને અન્ય લોકોને માથામાં તેમજ હાથ-પગમાં ઇજા થઈ છે. જેસાભાઈએ જણાવ્યું કે બસમાં આશરે ૫૦થી ૬૦ જેટલા લોકો સવાર હતા. આ તમામ લોકો રવિવારે સવારે સાત વાગે ખોડલધામ (કાગવડ) અને વીરપુરના પ્રવાસે જવા નીકળ્યા હતા.

જેસાભાઈએ ઉમેર્યું કે, “આ અકસ્માતમાં મારા ભાઇ મુકેશભાઈ, જે હીરાનું કારખાનું ચલાવતા હતા, તેઓ પણ હતા. તેઓ કારખાનામાં કામ કરતી યુવતીઓ અને સ્ટાફને ફરવા લઈ ગયા હતા. તેઓ પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. બસમાં કારખાનામાં કામ કરતા લોકો અને મેનેજર હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી, તેમજ સાત-આઠ છોકરાઓ પણ હતા જે મેનેજર તરીકે કામ કરતા હતા.” પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત કયા સંજોગોમાં થયો તે જાણવા તપાસ શરૂ કરી છે.

Back to top button