જેલમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જોઈ હાઇકોર્ટ લાલઘૂમ: ગોવાની જેલમાં સુરક્ષામાં મોટી ચૂક પર અદાલતે લગાવી ફિટકાર
મહારાષ્ટ્ર: 9 જાન્યુઆરી, 2026: બોમ્બે હાઈકોર્ટની ગોવા પીઠે ઉત્તર ગોવાની કોલવાલે સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે લાલ આંખ કરી છે. જેલની અંદર મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સની સુવિધા હોવાની વાત સામે આવતા જસ્ટિસ શ્રીરામ વી. શિરસાટે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ બાબત “અંતરાત્માને હચમચાવી દેનારી” છે.
શું હતો સમગ્ર મામલો?
બાળકની હત્યાના આરોપમાં જેલમાં બંધ કેદી ચંદુ પાટીલ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ ગંભીર ખુલાસો થયો હતો. આરોપ છે કે, પાટીલે જેલની અંદરથી મોબાઈલનો ઉપયોગ કરીને પીડિત પરિવારને ફોન કરી પરોક્ષ રીતે ધમકી આપી હતી. અદાલતે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જેલ પરિસરમાં મોબાઈલ ફોન અને પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી પર કડક સવાલો ઉઠાવ્યા છે.
હાઈકોર્ટની કડક ટિપ્પણીઓ
અદાલતે જેલ પ્રશાસન સામે સવાલો ઉઠાવતા કહ્યું કે, જેલની અંદર મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ શા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો હેતુ શું હતો? શું જેલના પ્રવેશદ્વાર પર કરવામાં આવતું નિરીક્ષણ માત્ર દેખાવ પૂરતું છે? શું મોબાઈલ ફોન ઘુસાડવા માટે જાણીજોઈને ઢીલ મૂકવામાં આવે છે? અદાલતે જેલ અધિકારીઓને તાત્કાલિક મજબૂત સિગ્નલ જેમર નેટવર્ક સ્થાપિત કરવા નિર્દેશ આપ્યો છે.
20 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો
ન્યાયાધીશ શ્રીરામ વી. શિરસાટે જણાવ્યું હતું કે, માત્ર કેદી સામે કાર્યવાહી કરવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. અદાલતે જેલ પ્રશાસન પાસેથી 20 જાન્યુઆરી, 2026 સુધીમાં લેખિત જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ કે સુપરિન્ટેન્ડેન્ટે એ સુનિશ્ચિત કરવું પડશે કે મોબાઈલના ઉપયોગ પર કડક પ્રતિબંધ લાગે.
જવાબદારી નક્કી કરવા આદેશ
હાઈકોર્ટે સૂચન આપ્યું છે કે જેલની અંદર આવી પ્રવૃત્તિઓને રોકવા માટે જેલ કર્મીઓની જવાબદારી નક્કી કરવા માટે વધારાના નિયમો બનાવવામાં આવે. અદાલતે ચંદુ પાટીલના કેસમાં કોલ ડેટા રેકોર્ડ (CDR), CCTV ફૂટેજ અને સેલ ટાવર લોકેશનની તપાસ કરવા પણ આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ I-PAC પર EDના દરોડાના વિરોધમાં મમતા બેનર્જી રસ્તા પર ઉતર્યા
આ પણ વાંચોઃ પ્રેમિકાએ બનાવ્યું ખાવાનુ, પતિએ ઝેર ભેળવીને પત્નીને ખવડાવ્યું, હાલત ગંભીર












