ગુજરાતટ્રેન્ડિંગ

ભાજપ કોર્પોરેટરના ભત્રીજાની ઓડીથી આધેડનું મોત, આરોપી શિવાંશ પટેલની ધરપકડ

Navsari News: નવસારીના વ્યસ્ત વિસ્તાર ગણાતા એરુ ચાર રસ્તા પાસે ગત રાત્રે પૂરઝડપે દોડતી ઓડી કારના ચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા એક આધેડને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં આધેડનું હોસ્પિટલ લઈ જતી વખતે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જો કે જલાલપોર પોલીસે આજે બપોરે તેની ધરપકડ કરી લીધી છે.

આરોપી ભાજપના કોર્પોરેટરનો ભત્રીજો

આરોપી શિવાંશ પટેલ અને તેનો મિત્ર ઓડી કારમાં સવાર થઈને એરુ ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા, જ્યાં તેમણે કાર પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આરોપી શિવાંશ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના નગરસેવક ધર્મેશ ભીમ પટેલનો ભત્રીજો છે. ધર્મેશ પટેલના મોટાભાઈ ભરત પટેલનો પુત્ર બેરોજગાર છે.

હવામાં ફંગોળાયા અને શ્વાસ થંભી ગયા

મૃતક અરુણ ઉપાધ્યાય રાત્રિના સમયે એરુ ચાર રસ્તા પાસે આવેલી પોતાની ‘શિવ શક્તિ’ નામની જ્યુસની દુકાન બંધ કરીને રાત્રે 10:30 વાગ્યે ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાંધી ફાટક તરફથી એરુ ચાર રસ્તા તરફ પૂરઝડપે ધસી આવેલી ઓડી કારના ચાલક શિવાંશ પટેલે તેમને સામેથી અડફેટે લીધા હતા.

ટક્કર એટલી ભયાનક હતી કે આધેડ હવામાં ફંગોળાઈને દૂર રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેઓ અર્ધબેભાન અવસ્થામાં રોડ પર પડ્યા હતા. આજુબાજુના રાહદારીઓએ તાત્કાલિક તેમને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

આરોપી શિવાંશ પટેલ અને મૃતક

108 એમ્બ્યુલન્સ મોડી આવતા સ્થાનિકોમાં રોષ

અકસ્માત બાદ એકત્રિત થયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી સેવા ‘108’ પર ફોન કર્યો હતો. જો કે, એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા માટે સ્થાનિકોએ લાચાર બની ખાનગી વાહનની મદદ લેવી પડી હતી. લાંબી રાહ જોયા છતાં 108 મોડી પહોંચતા રોષે ભરાયેલા લોકટોળાએ ઘટનાસ્થળે વીડિયો બનાવી તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસ તપાસ અને જાગૃત નાગરિકોની માગ

ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ઓડી કારના ચાલક શિવાંશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ જ્ઞાનેશ ગદ્દારના પોસ્ટર સાથે ગુજરાતમાં કોંગ્રેસનો આક્રમક વિરોધ: વડોદરા-સુરતમાં પોલીસ સાથે ઘર્ષણ
Back to top button