ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાઈની બીમારી મટાડવા કાચબાનું શાક બનાવ્યું, 4 પરપ્રાંતીય શ્રમિકો જેલ હવાલે

Bhavnagar news: ભાવનગર એરપોર્ટ વિસ્તારમાં એક ચોંકાવનારી અને અંધશ્રદ્ધાને પ્રતિબિંબિત કરતી ઘટના સામે આવી છે. વન વિભાગની ટીમે બાતમીના આધારે કરેલી રેડમાં બિહારના 4 પરપ્રાંતીય શ્રમિકોને કાચબાનું શાક બનાવી ખાતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ શ્રમિકોએ વાઈ (એપિલેપ્સી) જેવી બીમારી મટાડવાની ખોટી માન્યતાથી પ્રેરાઈને આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે એક જીવંત કાચબો છોડાવીને સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો છે.

શું છે આખો મામલો

ભાવનગર એરપોર્ટમાં ચાલી રહેલા બાંધકામ કામોમાં બિહારના પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા હતા. આમાંના એક શ્રમિકને વાઈની બીમારી હતી. તેમણે કાચબો મારીને ખાવાથી આ બીમારી મટી જશે એવી અંધશ્રદ્ધાથી પ્રેરાઈને બે કાચબા પકડ્યા હતા. તેમાંથી એકનું શાક બનાવવામાં આવ્યું હતું. વન વિભાગને આ અંગે બાતમી મળતા અધિકારીઓએ તાત્કાલિક દરોડો પાડ્યો.

રેડ દરમિયાન શ્રમિકોની ઓરડીમાંથી એક જીવંત કાચબો અને એક રાંધેલો કાચબો મળી આવ્યો. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ, ફોરેસ્ટ વેટરનરી ઓફિસર અને સરકારી પંચની હાજરીમાં સમગ્ર સ્થળનું પંચનામું કરીને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. વન વિભાગે મળેલ મુદ્દામાલ જપ્ત કરીને FSLમાં મોકલવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આરોપીઓ જેલ હવાલે

પકડાયેલા આરોપીઓની ઓળખ રવિન પાસવાન, રામ પુકાર પાસવાન, આનંદકુમાર મહંતો અને વિજયકુમાર મહંતો તરીકે થઈ છે. તેઓ બિહારના વતની છે અને એરપોર્ટના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં મજૂરી કરતા હતા. વન વિભાગે તેમની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 (સુધારા અધિનિયમ 2022)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓને ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યાં જામીન ન મળતા તેઓ જેલ હવાલે થયા છે. વન વિભાગે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

વન વિભાગની અપીલ

રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જી. ગલાણીએ જણાવ્યું કે કાચબો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શેડ્યુલ-1માં સુરક્ષિત અને પ્રતિબંધિત પ્રજાતિ છે. તેનો શિકાર, મારવો, રાખવો કે તેનું માંસ ખાવું ગંભીર ગુનો છે. વન વિભાગે જનતાને અપીલ કરી છે કે અંધશ્રદ્ધા અથવા ખોટી માન્યતાઓમાં દોરવાઈને વન્ય પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવું.

આ ઘટના વન્યજીવોના સંરક્ષણ અને અંધશ્રદ્ધાના ખતરાને રેખાંકિત કરે છે. વન વિભાગ તપાસ ચાલુ રાખીને આવા અન્ય તત્વોને પણ શોધી કાઢવાના પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: સુરતના નાસીરનગર ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટ કડક, SOGના DCP રાજદીપસિંહ નકુમને કોર્ટમાં હાજર થવા આદેશ

Back to top button