બનાસકાંઠાના પાણિયારી ધોધની મુલાકાત પર રોક: જાણો તંત્રએ કેમ મૂક્યો પ્રતિબંધ

બનાસકાંઠા, 5 જુલાઈ, 2025: પાણીયારી ધોધ પર યુવક ડૂબવાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. ચાર દિવસ પૂર્વે વડગામ તાલુકાના જાણીતા પિકનિક સ્થળ પાણીયારી ધોધ પર મિત્રો સાથે આવેલો એક યુવકનો ડૂબવાનો વીડિયો વાયરલ થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલીઓ પરંતુ તકેદારી જરૂરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર બનાસકાંઠાના જાહેરનામા મુજબ 1 જુલાઈ 2025થી 30 નવેમ્બર 2025 સુધી કોઈપણ વ્યક્તિને આ સ્થળે જવા દેવામાં નહીં આવે. આ હુકમ ડેમ અને ધોધના ખતરનાક સ્વરૂપને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. મામલતદાર વડગામ દ્વારા વડગામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્તરે જાહેરનામાની પ્રસિદ્ધિ કરવા અને જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવાયું છે. તાલુકા વિકાસ અધિકારીને પણ સ્થળે પ્રવેશ પ્રતિબંધના બોર્ડ લગાવવાની કાર્યવાહી કરવા જણાવાયું છે.
જાણો સમગ્ર મામલો
યુવકને તરતા ન આવડતું હોવાથી પાણીમાં ડૂબવા લાગે છે અને ત્યારબાદ તેને બહાર કાઢી ટ્રેક્ટર માં સુવડાવી મુમનવાસ ગામે 108માં બેસાડીને પાલનપુર સિવિલમાં સારવાર માટે લઈ જવાય છે. જ્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાય છે. જોકે હાલ તેની સારવાર ચાલી રહી છે. તેના આ વીડિયો બાદ મુકતેશ્વર ડેમ અને પાણીયારી ધોધે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. વડગામ પોલીસે જણાવ્યું કે જુલાઈથી નવેમ્બર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવી છે.












