આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ટ્રમ્પ વિરોધ કરતા રહ્યા અને આઇફોન ઉત્પાદકે ભારતમાં કરી નાખ્યું રૂ. 13,000 કરોડનું રોકાણ

નવી દિલ્હી, 20 મે, 2025: એપલ માટે ફોન બનાવનારી ફોક્સકોને છેલ્લા પાંચ દિવસોમાં પોતાના ભારતીય એકમોમાં 1.48 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 12,800 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતુ કે ફોક્સકોને સિંગાપોર સ્થિત પોતાના એકમના માધ્યમથી તામિલનાડૂના એકમ યૂઝાન ટેકનોલોજી (ઇન્ડિયા) પ્રાયવેટ લિમીટેડમાં રોકાણ કર્યુ છે.

આ રોકાણ 14 મે થી 19 મેની વચ્ચે કરવામાં આવ્યુ છે. આ રોકાણ ભારતમાં આઇફોનનું ઉત્પાદન વધારવાની એપલની યોજનાઓ વચ્ચે કરવામાં આવ્યુ છે. એપલના સીઇઓ ટીમ કૂકે ઘોષણા કરી છે કે એપલ જૂન ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં વેચનારા મોટા ભાગના આઇફો ભારતમાંથી ખરદીશે, નોંધનીય છે કે કર દરની અનિશ્ચિતતાની વચ્ચે ચીન અન્ય બજારો માટે મોટાભાગના ફોનનું ઉત્પાદન કરશે. ફોક્સકોન, ટાટા ઇલેક્ટ્રોનીક્સ અને પેગટ્રોન ઇન્ડિયા (મૂળભૂત રીતે ટાટા ઇલેક્ટ્રોનીક્સના નેજા હેઠળની) આઇફોનનું ઉત્પાદન કરે છે.

ટ્રમ્પ નથી ઇચ્છતા ભારતમાં ઉત્પાદન થાય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કતારમાં એક બિઝનેસ કોન્ફરન્સ દરમિયાન એપલના સીઈઓ ટિમ કૂકને મળ્યા હતા અને ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધારવાની તેમની યોજના સામે વાંધો ઉઠાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું, “અમે વર્ષોથી ચીનમાં તમારી ફેક્ટરીઓને સહન કરી રહ્યા છીએ, પરંતુ હવે અમે નથી ઇચ્છતા કે તમે ભારતમાં ઉત્પાદન કરો.” તેમણે એમ પણ કહ્યું કે ભારત પહેલાથી જ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને એપલે અમેરિકામાં ઉત્પાદન વધારવું જોઈએ.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એપલે જાહેરાત કરી હતી કે તે 2026 સુધીમાં ભારતમાંથી યુએસ બજાર માટે મોટાભાગના આઇફોન નિકાસ કરશે. ચીનથી આયાત પર યુએસ ટેરિફ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. જોકે, ટ્રમ્પે આ વ્યૂહરચના સામે વાંધો ઉઠાવતા કહ્યું કે ભારત સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે અને એપલે અમેરિકામાં ઉત્પાદન વધારવું જોઈએ.

નિષ્ણાતો માને છે કે ટ્રમ્પની આ માંગ એપલને આર્થિક રીતે પોસાય તેવી નથી. જો એપલ અમેરિકામાં આઇફોનનું ઉત્પાદન શરૂ કરે છે, તો આઇફોનની કિંમત વર્તમાન 1000 ડોલરથી વધીને 3000 ડોલરની આસપાસ થઈ શકે છે, જે ગ્રાહકો માટે મોંઘી સાબિત થશે.

ભારતમાં રોકાણ ચાલુ રહેશે

દરમિયાન, ભારતીય અધિકારીઓ અને એપલના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ભારતમાં એપલની રોકાણ યોજનાઓ ચાલુ રહેશે. ભારતમાં એપલના ઉત્પાદન ભાગીદારો, જેમ કે ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ, તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, ભારતે અમેરિકન ઉત્પાદનો માટે ટેરિફ મુક્તિનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી વેપાર સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર, એપલ આવતા વર્ષ સુધીમાં અમેરિકા માટે બનાવેલા તમામ આઇફોનની એસેમ્બલી ભારતમાં ખસેડી શકે છે. એપલના સીઈઓ ટિમ કૂકે પહેલાથી જ પુષ્ટિ આપી છે કે જૂન ક્વાર્ટરમાં અમેરિકામાં વેચાયેલા મોટાભાગના આઈફોન ભારતમાં બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ એરટેલ અને વોડાફોનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, AGR મામલે અરજી ફગાવી

Back to top button